કોંગ્રેસ-NCPની બેઠક: મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે નિર્ણય મૌકુફ, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે એનસીપી પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બેઠકને નિર્ણાયક માનવામાં આવી રહી હતી, પરંતુ આ બેઠકમાં પણ નિર્ણય આગળની બેઠક પર ધકેલી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતે બંને પાર્ટીઓના પ્રમુખ વચ્ચે થયેલી બેઠક અંગે જાણકારી આપતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી હતી.

તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સાથે બેઠક કરી અને મહારાષ્ટ્રમાં સ્થિતિની જાણકારી આપી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી એક-બે દિવસમાં રાકાંપા અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં બેઠક કરી આગળની રણનીતિ નક્કી કરશે.

બીજી તરફ બેઠક પછી શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પવારે જણાવ્યું કે, બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્થની પણ હાજર હતા. હવે તેમની સલાહ સાથે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

જો કે બેઠક પહેલા પવારે નિવેદન કર્યું હતું કે, સોનિયા ગાંધી શિવસેના સાથે ગઠબંધનથી જોડાવા મુદ્દે સાવધાની રાખી રહ્યા છે, કારણ કે શિવસેના બીજેપીની સહયોગી પાર્ટી હતી. પરંતુ તેઓ મહારાષ્ટ્રમાં આ વિચાર સાથે વાતચીત માટે તૈયાર થયા કે આ ગઠબંધનથી બીજેપીને સત્તા બહાર રાખવામાં સફળતા મળશે.