મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની તારીખ પાકિસ્તાન થોડી મોડી કરવા ઈચ્છતું હતું. પાકિસ્તાની સત્તાધિશો એવુ માનતા હતા કે જો મસૂદને ચૂંટણી વચ્ચે આતંકી જાહેર કરાશે તો તેનો લાભ મોદી-ભાજપને થશે. માટે પાકિસ્તાને ચીનને મોડું કરવા કહ્યું હતું.
મોટા ભાગની ચૂંટણી પતી જાય પછીની તારીખ ૧૫ મે પણ ચીને પસંદ કરી રાખી હતી. પરંતુ અમેરિકાએ ચીન પર દબાણ વધાર્યુ હતુ. પુલવામાના હુમલા પછી અમેરિકાનો સ્પષ્ટ મત હતો કે પાકિસ્તાની આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવી, મસૂદ જેવાનો બચાવ બંધ કરવો.
ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિ મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરે એ માટે એક દાયકાથી પ્રયાસ કરતું હતુ. જ્યારે જ્યારે સુરક્ષા સમિતિ સમક્ષ પ્રસ્તાવ આવે ત્યારે ચીન તેનો વીટો પાવર વાપરીને પ્રસ્તાવને રદ કરી દેતું હતું. આ વખતે ચીને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો.
ચીને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો એ પછી પાકિસ્તાને ચીનને જરા ખમી જવા વિનંતી કરી હતી. ચીને એ માન્ય પણ રાખી હતી. માટે પહેલા ૨૩ એપ્રિલ, પછી ૩૦ એપ્રિલ અને છેલટે ૧લી મેના દિવસે બેઠક મળી હતી. ૧લી મેના દિવસે ફ્રાન્સે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બધા દેશોએ ટેકો આપ્યો હતો.
મસૂદને આતંકી જાહેર કરવાના નિર્ણયને પાકિસ્તાને આવકાર્યો હતો. જોકે પાકિસ્તાનના આ હરખ પર અમેરિકાએ ઠંડું પાણી રેડતા કહ્યું હતું કે અમે કાર્યવાહી કરીએ એ તો બરાબર હોય જ છે. પણ પાકિસ્તાની સરકાર અને સેનાએ આતંકીઓના સફાયાની કામગીરી કરવી જોઈએ.
અમેરિકાએ પાકિસ્તાનને આતંક ખતમ કરવા અને આતંકીઓને મદદ કરવાની પોલીસી બદલવા વારંવાર ઠપકો આપ્યો છે. મસૂદને આતંકી જાહેર કરવાની તકે પણ અમેરિકાએ પાકિસ્તાનને ઠમઠોરતા કહ્યું હતુ કે તમારી સરકારની ફરજ હતી પહેલેથી મસૂદને કાબુમા રાખવાની. અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં જ્યાં પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે ત્યાં અમે તો કડક હાથે કામ લઈશું જ.

