વર્લ્ડ કપ-2011ના હીરો યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંઘે સોમવારે એક પત્રકાર પરિષદ બોલાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

યુવરાજ સિંઘની ગણના વિશ્વના મહાન ઓલ-રાઉન્ડરમાં થાય છે. આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ તેને આક્રમક બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંઘે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

યુવરાજે વર્ષ 2000માં કેન્યાના નૈરોબીમાં આઈસીસી નોકઆઉટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી તે લાઈમલાઈટમાં આવ્યો હતો.

યુવરાજે છેલ્લે 2012માં ભારત માટે અંતિમ ટેસ્ટ રમી હતી જ્યારે 2017માં પોતાની અંતિમ વન-ડે અને અંતિમ ટી20 મેચ રમી હતી.

બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2007માં ટી20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ બંને વર્લ્ડ કપમાં યુવરાજનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. 2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજે ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

ક્રિકેટે મને લડતા શીખવાડ્યું છે

નિવૃત્તિની જાહેરાત કરતા 37 વર્ષીય યુવરાજે કહ્યું હતું કે 22 યાર્ડની આસપાસ 25 વર્ષ વિતાવ્યા બાદ 17 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. આ રમતે મને કેવી રીતે લડવું, પડ્યા પછી કેવી રીતે ઊભા થઈને આગળ વધવું તે શીખવાડ્યું છે.

હું નસીબદાર છું કે મને ભારત માટે 400 મેચ રમવાની તક મળી. જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં આની કલ્પના પણ કરી ન હતી. આ રમત સાથે મારો પ્રેમ-નફરતનો સંબંધ રહ્યો છે. ક્રિકેટનું મારા જીવનમાં શું મહત્વ છે તે સમજાવી શકું તેમ નથી. આ રમતે મને લડતા શીખવાડ્યું છે. હું જેટલો સફળ રહ્યો છું તેના કરતા વધારે નિષ્ફળ રહ્યો છું અને હું ક્યારેય લડત છોડીશ નહીં.

યુવરાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ભારતના ડાબેરી બેટ્સમન યુવરાજ સિંઘે 3 ઓક્ટોબર 2000ના રોજ નૈરોબીમાં કેન્યા સામે પોતાની વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો જ્યારે ઓક્ટોબર 2003માં મોહાલી ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચથી ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. યુવરાજે 13 સપ્ટેમ્બર 2007ના રોજ ડરબનમાં સ્કોટલેન્ડ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 1900 રન નોંધાવ્યા છે. ટેસ્ટમાં યુવરાજે ત્રણ સદી અને 11 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેણે નવ વિકેટ ઝડપી છે. વન-ડેમાં તેણે 304 મેચમાં 8701 રન ફટકાર્યા છે. જેમાં 14 સદી અને 52 અડધી સદી સામેલ છે. વન-ડેમાં તેના નામે 111 વિકેટ છે. તેણે 58 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં આઠ અડધી સદી સાથે 1177 રન નોંધાવવા ઉપરાંત 28 વિકેટ પણ ઝડપી છે.