ગાંધીનગર સિરીયલ કિલર અંગે મળ્યા આ મહત્વના સગડ

ગુજરાત

ગાંધીનગરમાં છેલ્લાં ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરીયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યાના સ્થળ સહિતના અનેક સીસીટીવી ચેક કરતા હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબુત બની છે. પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરીને બહાર પાડયો છે. તે સિવાય આરોપીના સગડ મેળવવા ૩૦૦થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે. જોકે પોલીસને હત્યારા સુધી પહોંચી શકાય તેવી કોઈ ચોક્કસ કડી હાથ લાગી નથી. ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યાના બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે. ત્રણેય હત્યા એક જ પ્રકારે કરવામાં આવી છે. ત્રણેયના માથાના પાછળના ભાગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહી હત્યામાં ૭.૬૫ એમ.એમ.ની પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા વિશેષ ટીમ બનાવી છે અને વિવિધ એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. ગાંધીનગર ગ્રામ્યના એસ.પી.મયુર ચાવડાના જણાવ્યા મુજબ પોલીસે અનેક સીસીટીવી એકઠા કર્યા છે અને આરોપીના ત્રણ સ્કેચ પણ બનાવ્યા છે.