રેલવેના કર્મચારીઓની વિવિધ પડતર ૧૬ જેટલી માંગણીઓના મામલે આગામી તા.૧૪ ફેબુ્રઆરીના રોજ રેલવે યુનિયનો દ્વારા આંદોલનની શરૂઆત કરાશે. જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી ડૉ.એમ રાઘવૈયા અમદાવાદમાં આવશે. જ્યાં સાબરમતી ખાતે તેઓ ત્રણ સભા સંબોધીને આગામી લડતની રણનીતિ ઘડી કાઢશે. રેલવેના કર્મચારીઓ દયનીય સ્થિતિમાં નોકરી કરી રહ્યા છે. આર્થિક અને માનસિક રીતે કર્મચારીઓ ભારે મુશ્કેલીઓ સહન કરવાની સાથે ભવિષ્યને લઇને ચિંતાતુર બની ગયા છે. રેલવે કર્મચારીઓની વારંવારની વિવિધ માંગણીઓ છતાંય રેલવેતંત્ર દ્વારા કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય ન લેવાતા યુનિયનો દ્વારા આંદોલનને વધુ વેગવંતું બનાવવાનું નક્કી કરાયું છે. આ અંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અમદાવાદ મંડળના સચિવ આર.એ.ભાટિયાના જણાવ્યા મુજબ ડૉ.એમ.રાઘવૈયાની અમદાવાદ મુલાકાત દરમિયાન લડત અંગેની રણનીતિ ઘડી કઢાશે. આ વખતે રેલ કર્મચારીઓ આરપારની લડાઇ લડી લેશે.

