મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટ અપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે.
વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2018-19ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે તેમાં ગુજરાતે 43 ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ પ્રદાન કર્યુ છે. મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્સિયલ આસિસ્ટન્સ, ઓનલાઇન એપ્લીકેશન, મોનિટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે. દેશમાં 2014થી 2019 વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત 1500 કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે.
રાજ્ય સરકારના આ પ્રેરક અભિગમને પરિણામે સ્ટાર્અપ કલ્ચરને વેગ મળ્યો છે અને ઇન્કયુબેટર્સની સક્રિયતા, સ્થાનિક યુનિવર્સિટીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ માટે તેમના વિચારોને સંશોધનોને વાસ્તવિક સ્વરૂપ આપવાની તક પણ વિકસી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઇઝરાયલના સહયોગ સાથે રાજ્યમાં આઇક્રિયેટની સ્થાપના દ્વારા યુવાઓને વૈશ્વિક વૈચારિક આદાન-પ્રદાન ટેકનોલોજી શેરિંગની તક પણ ઉપલબ્ધ બની છે તેમજ આઇ-ક્રિયેટ દ્વારા પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ માટે સહાય ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતની આ સંપૂર્ણ ઇકો સિસ્ટમની મહત્તા અને પોટેન્શીયલ જોતાં ભારત સહિતના બિમસ્ટેક દેશો બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળનું આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન પણ ગુજરાતમાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટાર્ટઅપ યુવાઓને પોતાના શોધ-સંશોધનો અને નવા આઇડીયાઝને સ્ટાર્ટઅપ મિશન તહેત અમલમાં મૂકી જોબ સિકરમાંથી જોબ ગીવર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે રાજ્ય સરકારના વિભાગોની ચેલેન્જીસના સોલ્યુશનમાં પણ સ્ટાર્ટઅપનો સહયોગ લેવાની નેમ રાખી છે. રાજ્યમાં 2016થી અત્યાર સુધીમાં રૂ. 140 કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. 4 હજાર કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે. આમ, નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત 43ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.