‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, અમિતાભને 29 ડિસેમ્બરે ફાળકે સન્માન મળશે

ગુજરાત મુખ્ય સમાચાર

66મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયા. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ તથા રજત કમલ આપવામાં આવ્યું હતું. નેશનલ એવોર્ડ સેરેમનીને સોનાલી કુલકર્ણી તથા દિવ્યા દત્તાએ હોસ્ટ કરી હતી.

29 ડિસેમ્બરે બિગ બીને એવોર્ડ મળશે
અમિતાભ બચ્ચને રવિવારે (22 ડિસેમ્બર) ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે તેમને તાવ આવતો હોવાથી તે ટ્રાવેલ કરી શકે તેમ નથી અને તેથી જ તેઓ નેશનલ એવોર્ડ સેરેમનીમાં ભાગ લઈ શકશે નહીં. સમારંભને અંતે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે 29 ડિસેમ્બરે વિજેતાઓની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાત કરશે. આ સમય દરમિયાન અમિતાભને 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જેમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને રજત કમલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.