જીરા ગામે કુદરતી હાજતે ગયેલા મજૂરને ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી સિંહે ફાડી ખાધો, માનવભક્ષી પાંજરે પુરાયો

ગુજરાત મુખ્ય સમાચાર

દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) કુદરતી હાજતે ગયો હતો. પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો. ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી. તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું. ઘટનાસ્થળે લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતા. મજૂરનો મૃતદેહ વાડીથી થોડે દૂર મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વન વિભાગ દોડી ગયું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં આ માનવભક્ષી સિંહને બેભાન કરી પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

ખેતમજૂરી કરી કદુભાઇ પરિવારનું ગુજરાન ચલાવતા હતા

મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર 3થી 5 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

ગળાના ભાગેથી સિંહે મજૂરને દબોચ્યો હતો

વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી દૂર ઢસડી ગયો હતો. બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે.

માનવભક્ષી સિંહ પાંજરામાં પુરાયો, આજીવન કારાવાસની સંભાવના

ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. વન વિભાગે સિંહને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું. પકડાયેલા માનવભક્ષી સિંહને આજીવન કારાવાસ થાય તેવી શક્યતા છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું અનુમાન છે અને હવે આ સિંહને છોડવામાં નહીં આવે તેવું આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.