રવિવારે લોકસભા ચુંટણી 2019ની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ 26 બેઠકો માટે મતદાન થશે. ચુંટણીને લઇને કોંગ્રેસમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે હાલ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સારી નથી. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. ત્યારે અમદાવાદમાં 12 માર્ચના રોજ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે. તેને લઇને પક્ષમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
58 વર્ષ પછી ગુજરાતમાં CWC ની બેઠક
મહત્વની વાત છે કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં 58 વર્ષ બાદ યોજાઇ રહી છે. 12 માર્ચના રોજ અમદાવાદમાં CWC ની બેઠક યોજાશે. સવારે 10:30 વાગે શાહીબાગમાં આવેલ સરદાર સ્મારક ખાતે બેઠકની શરૂઆત થશે.
કોંગ્રેસને ચુંટણી સમયે સરદાર યાદ આવ્યા
ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ચુંટણીને લઇને મતદાન થશે. તેને લઇને કોંગ્રેસ 12 માર્ચના રોજ શાહીબાદમાં આવેલ સરદાર સ્મારક ખાસે સરદારની પ્રતિમાને પુષ્પાંજલી આપીને કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવશે. ત્યાર બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનો આરંભ કરશે.
રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો ગુજરાતમાં જમાવડો
CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, 25થી વધુ દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહેવાના છે. અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, અશોક ગેહલોત, મોતીલાલ વોરા, મલ્લિકાર્જુન ખડગે સહીતના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં પહોંચશે.