જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ચાલુ સપ્તાહમાં થનારી બેઠક અગાઉ ચીને જણાવ્યું છે કે પોતાના સાર્વભૌમત્વના ભોગે અમેરિકા સાથે કોઇ સમજૂતી કરશે નહીં અને વેપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ સમાધાન કરવું પડશે. જિનપિંગ અને ટ્રમ્પ ૨૮ અને ૨૯ જૂને જાપાનના ઓસાકામાં યોજાનાર જી-૨૦ શિખર મંત્રણા દરમિયાન એકબીજાને મળશે. ગયા વર્ષે વેપાર યુદ્ધ શરૃ કરનાર ટ્રમ્પ ઇચ્છે છે કે ચીન વેપાર ખાધ ઘટાડે. ગયા વર્ષે અમેરિકાની ચીન સાથેની વેપાર ખાધ વધીને ૫૩૯ અબજ ડોલરે પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ટ્રમ્પ ઇચ્છે છે કે ચીન ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ(આઇપીઆર), ટેકનોલોજી ટ્રાન્સફર ના રક્ષણ માટે પગલા લે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન બંને દેશો એકબીજાની અબજો ડોલરની વસ્તુઓ પર આયાત ડયુટી વધારી ચૂક્યા છે. ટ્રમ્પે ગયા સપ્તાહમાં જ ધમકી આપી હતી કે ચીનની બાકી રહી ગયેલી ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ચીનની ૨૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર અમેરિકાએ ૨૫ ટકા ડયુટી નાખી છે. આ દરમિયાન ચીનના એક વરિષ્ઠ પ્રધાને જણાવ્યું છે કે ચીનના પ્રમુખ જિનપિંગ અમેરિકાની એકપક્ષીય અને સંરક્ષણવાદી નીતિનોે વિરોધ કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન અને બ્રિક્સના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે.
