રાજ્યમાં મેઘ મલ્હાર : ૬૬ તાલુકામાં ૧થી ૩ ઇંચ વરસાદ

ગુજરાત

ગુજરાતમાં મેઘાનું વિધિવત આગમન થતાં ૧૯ જિલ્લાના ૬૬ તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. રવિવારે રાત્રે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ ખેડાના કઠલાલમાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજ-તલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં એક ઈંચ વરસાદ પડયો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. નિઝરમાં બે ઈંચ, ઓલપાડમાં દોઢ, સુરત અને નવસારીમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

રવિવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર થઈ હતી. ગાંધીનગરના દહેગામ તાલુકામાં પોણા બે ઈંચ, ગાંધીનગર તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પાટણમાં એક ઈંચ, દિયોદરમાં દોઢ ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં અડધાથી એક ઈંચ જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, ઝાલોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ મહેર કરતાં જસદણના આટકોટમાં એક ઈંચ, રામોદમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ગોંડલના સેતુબંધ ડેમમાં યુવાન ડૂબી ગયો હતો.