જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના E 503-504 નંબરના ફ્લેટમાં લગભગ બપોરના 12ઃ30 કલાકની આસપાસ આગ લાગી હતી. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. જો કે ખૂબ પવન હોવાને કારણે આગ વિકરાળ બની રહી હોવાથી ફાયર બ્રિગેડ બે કલાકે આગ કાબૂ મેળવવામાં સફળ રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસક્યુ ઓપરેશન દરમિયાન કુલ 35 લોકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે 7 લોકોને રેસ્કયુ કરી નીચે ઉતાર્યા હતા. આ દુર્ઘટનામાં અંજનાબહેન પટેલ નામની મહિલાનું સોલા સિવિલમાં મોત થયું છે. જ્યારે સાત લોકો સારવાર હેઠળ છે. પ્રાથમિક તારણ મુજબ, એસીનું કમ્પ્રેશર ફાટતા લાગી છે. જો કે આ મામલે તપાસ થયા બાદ સત્ય હકીકત બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની મદદ પણ લેવામાં આવી હતી.
સ્નોરેકલ બંધ થઈ જતાં લોકોને દોરડા અને જાળી દ્વારા જીવના જોખમે રેસક્યુ કરવા પડ્યાં
આગ કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું નહોતું. સ્નોરેકલ કામ ન કરતા ફાયરની ટીમે લોકોને બચાવવાની જાળી, પાણીની પાઇપ અને દોરડા બાંધીને લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યા હતા.
ફ્લેટમાંથી કોઈએ ઈલેક્ટ્રિક સપ્લાય બંધ કરતા પાણી પણ બંધ થયું
ફાયર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ફ્લેટમાંથી કોઈએ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેતા પાણી બંધ થઈ જવાને કારણે કામગીરીમાં અડચણ આવી હતી. જેથી ફાયર વિભાગે તેના પાણીના ટેન્કરમાંથી પાણીનો મારો શરૂ કર્યો હતો.
ઘરની ચાદરો બાંધી 11માં માળેથી ટોઈલેટના ડકની વિન્ડોમાંથી ઉપરના માળે ગયા
આ ફ્લેટમાં હાજર ઉત્તમ પંચાલે DivyaBhaskar સાથે કરેલી વાતચીત મુજબ, 11માં માળે સવારે ઓફિસ જવા માટે મેં જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે પેસેજમાં ખૂબ જ ધુમાડો હતો. જેથી મેં દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સાતથી આઠ લોકો ઘરમાં હાજર હતા. ઘરની ચાદરો બાંધી અને 11માં માળેથી ટોઈલેટના ડકમાંથી વિન્ડોમાંથી ઉપરના માળે લઈ ગયા અને ત્યારબાદ ટેરેસ પર પહોંચ્યા. હેલિકોપ્ટરની પણ માંગ કરી હતી અને ફોન કર્યો હતો પણ મદદ મળી નહોતી.
9માં માળે બે ઓવરવેઈટ લોકો ફસાયા હતા
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર મુજબ, નવમા માળે બે લોકો ફસાયા હતા. આ બન્ને લોકો ઓવર વેઇટ હોવાથી તેમને આગ પર કાબૂ મેળવ્યા બાદ નીચે ઉતારવામાં આવ્યા હતા.
આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરતા કામગીરીમાં અડચણ આવી
આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી.
બે બ્લોક ભેગા કરી ફ્લેટ બનાવ્યો હતો, ફર્નિચર બળવા લાગતા આગ વિકરાળ બની
બે બ્લોક ભેગા કરીને મોટો ફ્લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી.

