અક્ષરધામ હુમલામાં AK 47 સહિતના હથિયારો પહોંચાડનારો આતંકી ઝડપાયો, ગુજરાત ATS ટેરરિસ્ટને અમદાવાદ લાવી

Uncategorized

વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલા માટે એ.કે.47 અને બીજા હથિયારો પુરા પાડનાર મુખ્ય સુત્રધાર અને લશ્કર-એ-તોઈબાના આતંકી મહમ્મદ યાસિન મોહઉદ્દીન બટ્ટ નામના આંતકીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. એટીએસએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી યાસિન બટ્ટની ધરપકડ કરી છે. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસની ટ્રાંઝિટ રિમાન્ડ મેળવીને હવાઈમાર્ગે ગુજરાત લાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર એટીએસના અધિકારીઓ અને સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો હતો.

એમ્બેસેડર કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં એ.કે.47 અને અન્ય હથિયારો અમદાવાદ પહોંચાડ્યા

આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યાસિન બટ્ટ કાશ્મીરના અનંતનાગમાં મંઝૂર, કામિલ અને ઝૂબેર સહિતના લશ્કર-એ-તોઈબાના આતંકીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચીને અક્ષરધામ પર હુમલો કરાવ્યો હતો. યાસિન બટ્ટે જમ્મુ અને કાશ્મીર પાસિંગની એમ્બેસેડર કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં એ.કે.47 તથા અન્ય હથિયારો તેમાં મુકીને ચાંદખાન મારફતે બરેલી(ઉત્તર પ્રદેશ)પહોંચાડ્યા હતા. ત્યાર બાદ અન્ય આતંકીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત બાદ ચાંદખાન અને શકીલ ટ્રેન દ્વારા એ.કે.47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં લશ્કર-એ-તોઈબાના અન્ય આતંકીઓ સાથે મળીને અક્ષરધામ હુમલાનો અંજામ આપ્યો હતો.

આતંકીને હવાઈમાર્ગે અમદાવાદ લવાયો
હુમલા બાદ આંતકી યાસીન બટ્ટ પીઓકે જતો રહ્યો હતો. ગુજરાત એટીએસ સતત આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન તેમણે માહિતી મળી કે યાસીન અનંતનાગમાં છે અને ત્યાં લાકડાના વેરહાઉસમાં કામ કરે છે. જેથી એટીએસ અને એસઓજી ટીમે અનંતનાગ પોલીસની મદદથી આતંકીની ધરપકડ કરી હતી. આરોપીને હવાઈમાર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો છે. હવે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

32નાં મૃત્યુ થયાં હતાં
25 સપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર બે સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. 32 મોત અને આશરે 79 ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન 600 લોકો મંદિરમાં હતા. હુમલા બાદ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા.