યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા, 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે

મુખ્ય સમાચાર રાજકીય

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે. શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ- જેડીએસ ગઠબંધનની સરાકર માત્ર 14 મહિનામાં જ પડી ગઈ હતી. જે બાદ યેદિયુરપ્પા ચોથી વખત સરકાર બનાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસેથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યાં હતા.

યેદિયુરપ્પાએ 2007માં પહેલી વખત કર્ણાટકના સીએમ પદના શપથ લીધા હતા પરંતુ તેઓ માત્ર 7 દિવસ સુધી જ પદ પર રહ્યાં હતા. જે બાદ તેઓ 2008માં સીએમ બન્યાં ત્યારે તેઓ 3 વર્ષ 66 દિવસ સુધી આ પદ પર રહ્યાં. 17 મે, 2018માં તેઓએ સીએમ પદ તરીકે શપથ લીધા અને 3 દિવસમાં જ તેઓને રાજીનામું આપવું પડ્યું હતું.

મંત્રીમંડળ માટે શાહ અને નડ્ડા સાથે ચર્ચા થઈ

સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા માટે ગુરૂવારે કર્ણાટકથી ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જેમાં ભાજપના નેતા જગદીશ શેટ્ટી અને અરવિંદ લિમ્બાવલી સહિતના વરિષ્ઠ નેતાઓ હતા. ચર્ચા પછી આ નેતાઓએ કહ્યું હતું કે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે.

યેદિયુરપ્પા માટે મંત્રીમંડળનું ગઠન કરવું પડકાર સમાન

ભાજપના નેતા જગદીશ શેટ્ટાર અને અરવિંદ લિમ્બાવલી સહિત સીનિયર નેતા ગુરુવારે અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સરકાર બનાવવા વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી બનનાર બીએસ યેદિયુરપ્પા માટે કેબિનેટ મંડળ બનાવવું સૌથી મોટો પડકાર છે. રિપોર્ટ્સ પ્રમાણે 15 બળવાખોરો સહિત 56 એવા ધારાસભ્યો છે જેમણે 3 અથવા તેથી વધુ ચૂંટણી જીતી છે. આ દરેક લોકોને આશા છે કે, નવી સરકારમાં તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામા આવશે, અથવા પાર્ટીમાં કોઈ મોટી ભૂમિકા આપવામાં આવશે. પરંતુ કર્ણાટકમાં મુખ્યમંત્રી સહિત માત્ર 34 પદ આવેલા છે. માનવામાં આવે છે કે, યેદિયુરપ્પા બળવાખોરો સહિત અમુક સીનિયર લોકોને પણ નારાજ કરી શકે એમ નથી.

ત્રણ બળવાખોર અયોગ્ય જાહેર કરાયા
બળવાખોર ધારાસભ્યોની વાત કરીએ તો સ્પીકરે ગુરુવારે સાંજે ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. સ્પીકરે આ 3 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર કાર્યકાળ સુધી અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યો હાલના વિધાનસભા કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી એટલે કે 2023 સુધી અયોગ્ય રહેશે. અયોગ્ય જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લી સિવાય એક અપક્ષના ધારાસભ્ય આર શંકર છે.

ચાર દિવસની ચર્ચા પછી ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા હતા કુમારસ્વામી
23 જુલાઈએ સાંજે કુમારસ્વામી સરકાર ફ્લોર ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. વિશ્વાસ મત દરમિયાન સ્પીકરને હટાવીને ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 204 હતી. બહુમતી માટે 103નો આંકડો જરૂરી હતો. કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં 99 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં 105 મત પડ્યા. કુમારસ્વામી 14 મહિનાથી 116 ધારાસભ્યોની સાથે સરકાર ચલાવી રહ્યાં હતા પરંતુ આ મહિને 15 ધારાસભ્યોએ બળવો કર્યો હતો. અહીંથી જ સરકારની મુશ્કેલી શરૂ થઈ હતી.