વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલ વચ્ચે આજે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ બંને દેશો દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે.
જર્મની અને ભારતના મજબૂત સંબધોને પ્રાથમિકતા ગણાવીને પીએમ મોદીએ 20 કરાર પર સમજૂતિની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર બંને દેશો ભેગા મળીને કામ કરશે તેમ કહ્યુ હતુ.
મોદીએ જર્મનીના ચાન્સેલર મર્કેલના નેતૃત્વના વખામ કરીને તેમને ભારતના સારા મિત્ર ગણાવીને કહ્યુ હતુ કે, માત્ર યુરોપ જ નહી આખી દુનિયામાં તેઓ સૌથી લાંબા સમય સુધી દેશનુ નેતૃત્વ કરનાર નેતા છે. આજે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ પૈકી એક છે.તેઓ ભારત અને મારા સારા મિત્ર છે.
બીજી તરફ જર્મન ચાન્સેલરે ભારતના વખાણ કરતા કહ્યુ હતુ કે, આ દેશની વિવિધતાભરી સંસ્કૃતિમાંથી કશુંને કશું શીખવા મળતુ હોય છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દરેક ક્ષેત્રમાં ભારત અને જર્મની વચ્ચેનો સહયોગ મજબૂત થયો છે. આજે જે પણ કરારો થયા છે તેમાં સાઈબર સિક્યોરિટી, કોસ્ટલ મેનેજમેન્ટ, નદીઓની સફાઈ જેવા ક્ષેત્ર સામેલ છે.
તેમણે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે રોકાણ વધે તે વાત પર ભાર અપાઈ રહ્યુ છે. ભારતના ડિફેન્સ કોરિડોરમાં જર્મનીના ઉદ્યોગો રોકાણ કરશે તેવી અમને આશા છે. આતંકવાદના ખતરા સાથે કામ પાર પાડવા માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારીશું.
મારકેલે શિક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે અને સબંધો મજબૂત બનાવવા માટે પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે અમે ઉત્સુક છે.

