ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત

ગુજરાત મુખ્ય સમાચાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી હતી.

ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ આપ્યા અભિનંદન

આ દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા હતા. હાર્દિકે કેજરીવાલ સાથેની જૂની તસવીર શેર કરીને ટ્વિટર પર લખ્યું, શુભેચ્છા…શુભેચ્છા…ફરી એક વાર શુભેચ્છા…દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.

ગુમ થવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલે ટ્વિટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી ચૂકેલા હાર્દિક પટેલ સતત કાયદામાં સકંજામાં ફસાતા જાય છે. હાર્દિક પર અત્યાર સુધી 20થી વધુ કેસ નોંધાયા છે. આ મામલામાં મોટાભાગના દેશદ્રોહ અને શાંતિભંગના કેસ છે.