દિશમાન ફાર્મા પર આઈટી રેડનો મામલો, રૂ.1700 કરોડથી વધુના બેનામી અને રૂ.327 કરોડના રોકડ વ્યવહારો મળ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

19 ડિસેમ્બરના રોજ આવકવેરા વિભાગે દિશમાન ફાર્માના 19 સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં આજે ચોંકવાનારી વિગતો બહાર આવી છે. આ રેડમાં રૂ. 1700 કરોડથી પણ વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. જ્યારે 90 ટકા શેલ કંપનીઓ બનાવી છે. માત્ર એટલું જ નહીં આ કેસમાં દિશમાન ફાર્માના ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ સંડોવણી બહાર આવી છે. જ્યારે રૂ. 327 કરોડના રોકડ વ્યવહારો અને રૂ. 600 કરોડના બોગસ બિલો, રૂ. 700 કરોડની બેનામી કંપનીઓ પરથી લોન લીધેલી, બોગસ વેચાણ બતાવી રૂ.90 કરોડનું કમિશન મેળવ્યું. આ ઉપરાંત 2015થી અત્યાર સુધીમાં કંપનીએ રૂ.170 કરોડનો નફો છુપાવ્યો છે.

રૂ.75 લાખની જ્વેલરી, રૂ. 64.67 કરોડની રોકડ મળી
આવકવેરા વિભાગે કંપનીના ચેરમેન જન્મેજય વ્યાસ, ડિરેક્ટર અર્પિત વ્યાસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત કાપડિયા, ગ્લોબલ સીઈઓ હર્ષિલ દલાલના ઘરે અને ઓફિસના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં રૂ.75 લાખની જ્વેલરી, રૂ. 64.67 કરોડની રોકડ, 42 લાખનું વિદેશી નાણું મળી આવ્યું છે.

કાર્ગો લિમિટેડ નામની કંપની બનાવી રૂ.500 કરોડના વ્યવહારો કર્યા
વર્ષ 2015માં દિશમાન ફાર્માએ દિશમાન કાર્ગો લિમિટેડ નામની કંપની બનાવી હતી. જે અમેરિકા અને યુ.કે.માં ઓપરેશન્સ ચલાવી રહી છે. આ કંપનીના નામે રૂ.500 કરોડના બેનામી વ્યવહારો કર્યા છે.