દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાના કેસમાં કુલદીપ સેંગરને 10 વર્ષની કેદ, 10 લાખ રૂપિયાનો દંડ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા માટે આરોપી યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત સાત આરોપીઓને દિલ્હીની તીસ હજારી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત દરેક પાસેથી 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ અતુલ સેંગર પર જે 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, આ રકમ પીડિત પરિવારને કોઈ પણ શરત વિના વળતર તરીકે આપવામાં આવશે.

આ પહેલા બુધવારે સજા પર ચર્ચા કરતી વખતે CBI અને પીડિત પક્ષે આરોપીઓ માટે કડક સજાની માંગ કરી હતી. જણાવી દઈએ કે મહત્તમ સજા હેઠળ ઉંમર કેદની જોગવાઈ છે, પરંતુ કોર્ટે 10 વર્ષની જ સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ સિંહ સેંગરને દુષ્કર્મના કેસમાં કોર્ટે પહેલાથી જ સજા સંભાળી દીધી હતી, જેમાં તેને કુદરતી મોત સુધી જેલમાં રાખવામાં આવશે.

આ 7 લોકોને 10 વર્ષની સજા સંભાળવવામાં આવી
1. ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરટ
2. સબ ઈન્સ્પેક્ટર કામતા પ્રસાદ
3. એસએચઓ અશોક સિંહ ભદૌરિયા
4. વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા
5. જય સિંહ ઉર્ફ અતુલ સિંહ
6. વીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ
7. શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ

પીડિતને સારવાર માટે હોસ્પિટલની જગ્યાએ કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવ્યો
ન્યાયાધીશે કહ્યું હતું કે, દુષ્કર્મ પીડિતાના પિતાને સેંગરે પોલીસકર્મીઓની મદદથી ફસાવ્યા હતા. પીડિતા સાથે પણ ક્રુરતાથી મારઝુડ કરાઈ હતી. સીબીઆઈ એ સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી કે જ્યારે પીડિતાના પિતા સાથે મારઝુડ કરવામાં આવી તો કુલદીપ ફોન પર પોલીસકર્મીઓના સંપર્કમાં હતો. ત્યારબાદ પીડિત વિરુદ્ધ ગેરકાયદે હથિયારનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન સેંગર ડોક્ટરોના સંપર્કમાં હતો. ઘાયલને હોસ્પિટલમાં રાખવાની જગ્યાએ કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવાયો અને ચાર દિવસ બાદ તેમનું મોત થઈ ગયું હતું.