ભારતીય ક્રિકેટ ટીમનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગની પરવાનગી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે આની પરવાનગી આપી છે. હવે તે પૈરાશૂટ રેજિમેન્ટમાં બે મહિનાની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થઈ શકે છે, પરંતુ ધોનીને કોઈપણ ઑપરેશનનો ભાગ બનવાની પરવાનગી આપવામાં આવી નથી.
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે પોતાને અનુપલબ્ધ બતાવીને બે મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ધોનીએ બીસીસીઆઈને પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતુ અને કહ્યું હતુ કે તે હવે પૈરાશૂટ રેજિમેન્ટ સાથે જોડાવવા જઇ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીની પૈરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલ છે.
2017માં ધોની જમ્મૂ-કાશ્મીરનાં બારામૂલા ગયો હતો
ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ધોની સિયાચીન બૉર્ડર પર જવા ઇચ્છે છે. હવે સમાચાર છે કે ધોની જમ્મુ-કાશ્મીરમાં ટ્રેનિંગ કરશે. આવામાં એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે સિયાચીન જવાનું ધોનીનું સપનુ પુરુ થઈ શકે છે. તમને જણાવી દઇએ કે એમએસધોની પહેલા પણ જમ્મૂ-કાશ્મીર જઇ ચુક્યો છે. વર્ષ 2017માં ધોની જમ્મૂ-કાશ્મીરનાં બારામૂલા ગયો હતો.

