અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે લગભગ બેથી ત્રણ વાગ્યા આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. દરમિયાનમાં વાવાઝોડા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં તથા ડેડીયાપાડા તાલુકામાં વરસાદ સંબંધિત ઘટનામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત થયા છે તેમાંથી ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિના ઝાડ પડવાથી મોત થયા છે.
આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના
આ તરફ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તથા જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકારે બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા બેઠકો બોલાવાઈ હતી ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ સચિવ દ્વારા પણ બેઠકો યોજી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા કવાયત કરી હતી. કેન્દ્ર સરકારે અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત મોકલી છે. વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. રાહત- બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. 15 જેટલી બોટમાં 45 જેટલા માછીમારો પરત બોલાવવાની તજવીજ ચાલી રહી છે.
ઝીરો હ્યુમન લૉસનું લક્ષ્યાંક
મુખ્યમંત્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક અને ગુજરાતના સાંસદો સાથેની બેઠક પણ રાહત કામગીરીને ધ્યાને રાખીને મોકૂફ રાખી છે. સરકારે ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરી છે.
શાહે સ્થિતિની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિનું સતત મોનિટરીંગ શરૂ કર્યું. મંગળવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા, અર્થ સાયન્સ સેક્રેટરી ડૉ.એમ.રાજીવન સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ.
કાંઠે દોઢ મીટર ઊંચા મોજાં ઉછળશે
NDRF, SDRF, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તહેનાત
એરફોર્સના સી-17 વિમાનમાં NDRFના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે.
ચીફ સેક્રેટરી સિંઘે ઓડિશાના ચીફ સેક્રેટરી સાથે ચર્ચા કરી.
5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે
એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઇ
દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચક્રવાત વખતે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી સર્જાશે એવી આશંકા.
- સાવચેતી માટે આટલી તૈયારી રાખવી
આગમન પહેલાં
મોબાઇલ ફોનને ચાર્જ રાખવો. એસએમએસનો ઉપયોગ કરવો.
અગત્યના દસ્તાવેજો અને કિંમતી ચીજવસ્તુઓને વૉટરપ્રૂફ કન્ટેનર્સમાં સાચવી રાખવા.
પાલતુ પશુ, ઢોરની સુરક્ષા માટે તેમને બાંધી રાખવા નહીં. - ઘરની અંદર
વીજ પ્રવાહની સ્વીચ બંધ રાખવી ગેસ સપ્લાય બંધ કરી દેવો.
બારી બારણા બંધ રાખવા.
જો આપનું ઘર અસુરક્ષિત હોય તો વાવાઝોડાના આગમન પહેલા બહાર નીકળી જવું.
પાણી ઉકાળીને પીવુ હિતાવહ. - ઘરની બહાર
નુકસાનગ્રસ્ત ઘર-મકાનમાં પ્રવેશવું નહીં.
તૂટેલા, ઉખડેલા વીજ થાંભલા, વાયરોથી દૂર રહેવું.
સુરક્ષિત સ્થળે પહોંચી જવું.
ફોટો પાડવા, સેલ્ફિ લેવા દરિયાકાંઠે જવું નહીં.
એરફોર્સની હાઇટેક તૈયારી
વાયુદળે રાજ્યમાં લાઇટ હેલિકોપ્ટર તથા રડાર સિસ્ટમ તહેનાત કરી છે. સાથે સંદેશાવ્યવહાર જળવાય એ માટે
વિવિધ સ્થળે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ અને મોબાઇલ કમ્યુનિકેશન વ્હીકલ્સ પણ તહેનાત કર્યા છે.

