દક્ષિણ ગુજરાતના વ્યારા, વઘઈ, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ,ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં

ગુજરાત મુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.

તાપી જિલ્લામાં વરસાદ

મંગળવાર મોડી સાંજેથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાયુ વાવાઝોડાની અસર જાણે તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી. તાપીના વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનએ માઝા મૂકી હતી. આવુ જ એક દ્રશ્ય તાપી જિલ્લાના ડોલવણ ચાર રસ્તા નજીક જોવા મળ્યું હતું. જ્યાં ભારે પવનને કારણે સહકારી મંડળીના પતરા ઉડી ગયા હતા અને ભારે પવન જોવા મળ્યો હતો. અનેકો વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકોએ ગરમીથી થોડે અંશે રાહત પણ મેળવી હતી

ડાંગમાં વરસાદ

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું, જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકસાન થયાની માહિતી સાંપડી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મંગળવારે ચોમાસાના વરસાદે દસ્તક દેતા ડાંગી જનજીવન ખુશખુશાલ બન્યું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ, પાંડવા, શામગહાન, ચૌક્યા, લીંગા સહિતના ગામોમાં મંગળવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેવાની સાથે સમયાંતરે છૂટક વરસાદી ઝાપટાએ દસ્તક દીધા હતા. જ્યારે વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટીના ગામોમાં સાંજે 4 વાગ્યા બાદ વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીના દૃશ્યો જોવા મળ્યા હતા.

ઠેક ઠેકાણે નુકસાની

આહવા તાલુકાની ગાઢવી પ્રાથમિક શાળા ઉપર તોફાની વાવાઝોડાએ કહેર વર્તાવતા ઓરડાના પતરા ઉડીને જમીનદોસ્ત ધરાશાયી થતા જંગી નુકસાન થયાની વિગતો સાંપડી છે. આજે અહીં ગાઢવી પ્રાથમિક શાળા પણ ચાલુ હોય અને નાના ભૂલકાઓ પણ હાજર હોવાથી વાઝોડાના નુકસાની સાથે 3 બાળકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. જોકે આ ઘટનાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ગામોમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવતા ઠેકઠેકાણે નુકસાન થયાની માહિતી મળી છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા અને સાંજે હળવા વરસાદી ઝાપટા પડતા અહીંના સમગ્ર સ્થળોના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.