કોરોનાના પગપેસારાને કારણે દિલ્હીમાં IPLની એક પણ મેચ નહીં થાય: સિસોદિયા

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસના કારણે દિલ્હીમાં આઈપીએલની એક પણ યોજવામાં નહીં આવે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે રમતોના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા તમામ કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. જે રમતો નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા એક પણ આયોજનો દિલ્હીમાં આગામી કેટલાક સમય સુધી નહીં થાય. 

સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આઈપીએલ જેવી તમામ રમતના આયોજનો પર પ્રતિબંધ લગાવી દીધો છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય. કોરોના વાયરસને રોકવા માટે સામાજિક રીતે ભીડમાં રહેવાનું ટાળવું જરૂરી છે. તેમણે દિલ્હીમાં તમામ પ્રકારના સંમેલનો અને સેમિનાર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 

દિલ્હીમાં છ લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિલ્હી સરકાર સતર્ક થઈ ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારના રોજ જાહેરાત કરી હતી કે પાટનગરમાં 31 માર્ચ સુધી દરેકે-દરેક સ્કૂલ-કોલેજો તેમજ થિયેટર્સ બંધ રહેશે. આ સાથે જ દિલ્હીમાં તમામ પબ્લિક સ્વીમિંગ પૂલને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસને પગલે કેન્દ્રિય રમત મંત્રાયલે દેશના તમામ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને ખાલી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ ઇવેન્ટ યોજવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે કોઈ પણ વિદેશીને 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો છે. આમ આ ઝાકઝમાળ ધરાવતી ધનાઢય ક્રિકેટ લીગમાં પણ આ વખતે કમસે કમ 15મી એપ્રિલ સુધી તો કોઈ વિદેશી ક્રિકેટર રમવા આવી શકે તેમ નથી. 

શનિવારે યોજાનારી આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની મહત્વની બેઠક દરમિયાન આ વખતની આઇપીએલ ખાલી સ્ટેડિયમમાં યોજવી કે રદ કરવી તે અંગે બોર્ડ નિર્ણય લેશે ત્યાં સુધી બીસીસીઆઈએ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવીને આ અંગે મૌન સેવ્યું છે. આઇપીએલની પ્રથમ મેચ 29મી એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. 

રમત મંત્રાલયના આદેશ મુજબ કોઈ પણ રમત ઇવેન્ટમાં જનમેદની એકત્રિત થવી જોઇએ નહીં અને જો કોઈ ઇવેન્ટ રદ થઈ શકે તેમ ન હોય તો પ્રેક્ષકોને સ્ટેડિયમમાં દાખલ કરાયા વિના જ તેનું આયોજન કરવાનું રહેશે. આ અંગે ખુલાસો કરતાં રમત મંત્રાલયના સચિવ રાધેશ્યામ ઝુલણીયાએ જણાવ્યું હતું કે અમે ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત તમામ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહી દીધું છે. જે મુજબ તમામ રમત ઇવેન્ટ સહિત કોઈ પણ સંજોગોમાં જાહેરમાં મેદની એકત્રિત કરવાનું ટાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.