ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં , પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.
ઘરમાં સંતાઇ રહેલા મહેબૂબે વાયર વડે વૃદ્ધનું ગળુ દબાવી ઠંડે કલેજે હત્યા કરી હતી
નબીપુર દસુકોલોનીના 80 વર્ષીય મહમદ ઉમરજી ચેતને ગામની જ સુમૈયા દાઉદ બાબુ પટેલને રૂા. 1.50 લાખ ઉછીના આપ્યા હતાં. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીજ અબ્દુલ વોરા પટેલે ગત 30 જાન્યુઆરીએ વૃદ્ધને ફોન કરી સુમૈયાના ઘરે બોલાવ્યા હતાં. વૃદ્ધ બપોરે 11:59 કલાકે પહોંચતા સુફીયાએ તેમને લલચાવી ઘરની પાછળ આવેલી ગેલરીમાં જવાનો ઇશારો કર્યો હતો.
વૃદ્ધ ગલરીમાં જતાં સુમૈયાએ ઘરની બહાર નીકળી રેકી કરતાં તેના સાગરિત મહેબુબ ઇબ્રાહીમ દીવાન (રીક્ષાવાળો) ને ઘરમાં બોલાવી લીધો હતો. દરમિયાન સૂફિયાએ ગેલરીમાં જઇ વૃદ્ધના કપડાં કાઢી લઇ તેમને બાથ ભરી લીધી હતી. ત્યારબાદ ઘરમાં સંતાઇ રહેલા મહેબૂબે વાયર વડે વૃદ્ધનું ગળુ દબાવી ઠંડે કલેજે હત્યા કરી હતી. હત્યા બાદ તેમની લાશ ધાબળામાં વીંટી બપોરે 4:20 કલાકે કારની ડીકીમાં નાખી ઇંટોલા નજીક આવેલા ઠીકરિયા બ્રિજ પર લઇ જઇ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી. પુત્ર મકબૂલ ચેતને પિતા ગુમ થયા અંગે બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. પોલીસે 102 કલાક સુધી નદીમાં શોધખોળ કર્યા બાદ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જોકે, સુમૈયાના ઘરના સીસીટીવી ફૂટેજમાં હત્યાની કડી મળતાં નબીપુર પોલીસે સોમવારે 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો. અલબત્ત, વૃદ્ધની લાશનો હજુુ કોઇ પત્તો મળ્યો નથી.
સીસીટીવીના બદલે અન્ય કેબલ કાપતાં ભાંડો ફૂંટ્યો
હત્યાના કારસાને અંજામ આપનાર સુફિયા તેમજ તેના સાગરિતોને ઘરે સીસીટીવી લગાવેલાં હોવાનો અંદાજો હોઇ તેમણે ઘટના પહેલાં સીસીટીવીનો કેબલ કાપ્યો હતો. પરંતુ ભુલથી સીસીટીવીના બદલે ઝૂલ્ફી ટીવીનો કેબલ કાપતા સીસીટીવી ચાલુ જ રહી ગયા હતા.

