શહેરમાં 10 મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યા માટે પાલિકામાં વિરોધ કરવા માટે પહોંચેલી કોંગ્રેસના તોફાની કાર્યકરોએ 72 વર્ષીય મહિલા મેયરને સભાગૃહમાં જતા અટકાવીને ધક્કા મુક્કી કરીને સંસ્કારી નગરીની ગરિમા લજવી હતી.સયાજીરાવ સભાગૃહની બહાર પરિસરમાં પોલીસ અને સિકયુરિટીની હાજરીમાં મહિલા મેયર રડી પડે તે હદનુ કોંગ્રેસે કરેલા કૃત્યથી વધુ એક વખત સંસ્કારીનગરીના નાગરિકોનુ માથુ શરમથી ઝૂકી ગયું છે.
ધક્કે ચડાવતા શ્વાસ અધ્ધર થઈ ગયો
શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે સભામાં હાજરી માટે 2 વાર બેલ વાગતાં મેયર ડો.જિગીષાબહેન શેઠ ડેપ્યુટી મેયરની સાથે ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હતા. પરંતુ , જેવા ડો.જિગીષાબહેન ચેમ્બરની બહાર નીકળ્યા કે કોંગ્રેસના પ્રદર્શનકારીઓનું ટોળુ જોતાં તેઓ ચોંકી ઉઠયા હતા. અન્ય કાઉન્સિલરોની મદદથી સભાગૃહમાં પહોંચી જશે તેવી ધારણા હતી પરંતુ દરવાજા સુધી પહોંચતા પહેલા જ તેમને કોંગી કાર્યકરોએ ઘેરાવો કર્યો હતો અને તેમને ધક્કે ચડાવતા તેમનો શ્વાસ અધ્ધર થઇ ગયો હતો. સિકયુરિટી ગાર્ડ અને અન્ય મહિલા કાર્યકરોની મદદથી મેયર અંદર પહોંચી શકયા હતા અને રડી પડયા હતા.
કોંગ્રેસી આગેવાનો દરવાજે સૂઈ ગયાં
શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દસ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે અને તેના માટે બે દિવસથી સરકારે પણ ગંભીરતા દાખવી છે. આ સંજોગોમાં, દિવાળી પૂર્વેની સભા શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે મળી હતી પરંતુ તે પૂર્વે શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગ્રેસીઓ ઢોલ નગારા અને પ્લેકાર્ડ સાથે પાલિકાની વડી કચેરીના પરિસરમાં ધસી આવ્યા હતા. એટલું જ નહીં, મેયરની ચેમ્બરની બહાર જ કોંગી કાર્યકરો જમીન પર બેસી ગયા હતા અને સભાગૃહના દરવાજા પાસે તો શહેર પ્રમુખ સહિતના આગેવાનો સૂઇ ગયા હતા.
53 વર્ષમાં પહેલી વખત આવી ઘટના બની
સભાના નિયત સમય સુધી મેયર અને ડે. મેયર સભાગૃહ સુધી પહોંચી શકયા ન હતા અને તેના કારણે સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલે સભાગૃહનુ અધ્યક્ષપદ સંભાળીને વિપક્ષની ગેરહાજરીમાં સભા મુલતવી કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, મેયર ડો.જિગીષાબહેન શેઠ તેમની કેબિનમાંથી બહાર નીકળીને સભાગૃહ તરફ જવા નીકળતા કોંગી કાર્યકરોએ તેમને ઘેરો ઘાલ્યો હતો અને સભાગૃહમાં જતા અટકાવ્યા હતા. દેખાવકાર કોંગીના કાર્યકરોએ બેકાબુ બનીને મેયરને સભાગૃહમાં જતા અટકાવવા ધક્કામૂક્કી કરતાં ભાજપી-કોંગી કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પાલિકાની સભા પૂરી થયા બાદ મહિલા મેયર સાથે બનેલા બનાવના પગલે મેયર હતપ્રત બની ગયા હતા અને રીતસરના રડી પડયા હતા. મહાનગરપાલિકાની સ્થાપનાના 53 વર્ષમાં પહેલી વખત મહિલા મેયરને ધક્કે ચડાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ અંગે નવાપુરા પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
પાલિકામાં અપૂરતો બંદોબસ્ત રખાયો
પાણીની સમસ્યા મામલે પાલિકામાં પાણી બતાવવા માટે કોંગ્રેસ મોરચો લઇને આવવાની જાણ આગોતરી હોવા છતાં તેની ગંભીરતા લેવામાં આવી ન હતી. સામાન્ય સભા પૂર્વે ગોઠવાતો રાબેતા મુજબનો પોલીસ અને સિકયુરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેની નિષ્કાળજીનો ભોગ મહિલા મેયરને બનવાનો વારો આવ્યો હતો.
ભૂતકાળમાં પણ મેયર સાથે આવુ વર્તન કયારેય થયુ નથી
પાલિકામાં ભૂતકાળમાં અનેક મોરચા આવ્યા છે. પરંતુ, મહિલા મેયર ડો.જિગીષાબહેન શેઠ સાથે જે વર્તન શુક્રવારે થયુ તેવુ વર્તન કયારેય થયુ નથી. પાણી,રસ્તા,ડ્રેનેજ સહિતની સમસ્યાઓ મામલે ભૂતકાળમાં પાલિકામાં તોડફોડ પણ થઇ છે અને અધિકારીઓને લાફા પણ પડયા છે પણ મેયરને કયારે ધક્કે ચડાવાયા નથી.
મારી વિરુદ્ધ ષડયંત્ર હોવાનું સ્પષ્ટ જણાય છે, પોલીસ પણ કોંગ્રેસની સાથે મળેલી છે
મહિલા મેયરને ધક્કે ચડાવીને સભાગૃહમાં ઘૂસતા અટકાવવાની ઘટના બિલકુલ નિંદનીય છે. આ ઘટનામાં મારા વિરુધ્ધ ષડયંત્ર હોવાનુ સ્પષ્ટ જણાઇ આવે છે અને પોલીસ પણ જાણે કોંગ્રેસ સાથે મળેલી હોય તેવુ લાગી રહ્યુ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સૂચના આપવામાં આવી છે અને ઉપર પણ જાણ કરવામાં આવી છે. – ડો.જિગીષાબહેન શેઠ, મેયર
અમારી માંગ તો પાણી પૂરતી જ હતી, ક્યારેય મેયરનું અપમાન કર્યું નથી
અમારી માંગ માત્ર પાણી આપવાની છે અને અમે કયારે મેયરનું અપમાન સીસી ટીવી કેમેરા ત્યાં લાગેલા છે અને તેના પરથી સાચુ ખબર પડશે કે કોણે શું કર્યુ? ઉલટાનો હું તો ઉભો થઇને મેયરને રસ્તો મળે તેવો પ્રયાસ કર્યો. દરેક પાર્ટીમાં બે ચાર માણસ એવા હોય પણ તેનો મતબલ એ નથી કે આખી પાર્ટી એવી છે. – ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ) , વિપક્ષી નેતા