ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ આવતીકાલથી, ટીમ ઇન્ડિયાની નજર પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા પર

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારે રાંચી ખાતે રમાશે. આ મેચ જીતીને ભારત પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા માંગશે. ભારતે પહેલી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે 203 રને અને બીજી ટેસ્ટમાં પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતશે. ભારત છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ 2017માં 3-0થી સીરિઝ જીત્યું હતું. ભારતીય ટીમે પહેલી વાર ઇંગ્લેન્ડને જાન્યુઆરી 1993માં 3-0થી હરાવ્યું હતું.

ભારતે વિરોધી ટીમ સામે 3-0થી સીરિઝ જીતી:

વિરુદ્ધ ક્યારે દેશ
ઇંગ્લેન્ડ જાન્યુઆરી 1993 ભારત
શ્રીલંકા જાન્યુઆરી 1994 ભારત
ન્યૂઝીલેન્ડ સપ્ટેમ્બર 2016 ભારત
શ્રીલંકા જુલાઈ 2017 શ્રીલંકા
ભારત vs દક્ષિણ આફ્રિકા હેડ ટૂ હેડ
બંને ટીમ અત્યાર સુધીમાં 38 ટેસ્ટ રમી છે. ભારત 13 ટેસ્ટ જીત્યું અને 15 હાર્યું છે, જ્યારે 10 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતમાં બંને વચ્ચે 18 મેચ રમાઈ છે. ભારત તેમાંથી 10 મેચ જીતવામાં સફળ રહ્યું છે, જયારે પ્રોટિયાસને પાંચમા સફળતા મળી છે. 3 મેચ ડ્રો રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9માંથી 6 ટેસ્ટમાં હરાવ્યું છે. બે મેચમાં ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો, જયારે 1 મેચ ડ્રો રહી હતી. પાંચ વર્ષમાં ભારતનો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સક્સેસ રેટ 67% રહ્યો છે.

અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી
રવિચંદ્રન અશ્વિન પાસે ઇમરાન ખાન અને ડેનિયલ વિટ્ટોરીને પાછળ છોડવાની તક છે. અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી છે, ઇમરાને 88 અને વિટ્ટોરીએ 113 મેચમાં 362 વિકેટ લીધી છે.

ફાફ ડુ પ્લેસીસ પોતાની જગ્યાએ અન્ય કોઈને ટોસ માટે મોકલશે
દક્ષિણ આફ્રિકાનો કપ્તાન ફાફ ડુ પ્લેસીસ એશિયામાં સતત 9 વાર ટોસ હારી ગયો છે. ફાફે ગુરુવારે કહ્યું કે, તે રાંચી ટેસ્ટમાં પોતાની જગ્યાએ અન્ય કોઈને ટોસ માટે મોકલશે. તેણે કહ્યું કે, અમારે ફર્સ્ટ ઇનિંગ્સમાં મોટો સ્કોર બનાવવો પડશે. તે અમારા માટે મહત્ત્વનું સાબિત થશે. જો અમે તેવું કરવામાં સફળ રહ્યા તો પછી ત્યાંથી કઈ પણ સંભવ છે.

રાંચીમાં રમાયેલ એકમાત્ર ટેસ્ટમાં પુજારાએ બેવડી સદી ફટકારી
ભારતીય ટીમે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર એક ટેસ્ટ રમી છે. ઓસ્ટ્રેલિયા સામેની 2017ની તે મેચ ડ્રો રહી હતી. મેચમાં ભારતના ચેતેશ્વર પુજારાએ 202 રન અને રિદ્ધીમાન સાહાએ 117 રન કર્યા હતા. ભારતે તેમની ઇનિંગ્સ થકી 603 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, શુભમન ગિલ , હનુમા વિહારી અને ઋષભ પંત.

સાઉથ આફ્રિકાની ટીમ: ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, દ બ્રૂઇન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડિન એલ્ગર, હેનરીક ક્લાસેન (વિકેટકીપર), કેશવ મહારાજ, એસ મુથુસામી, લૂંગી ગિડી, એર્નિચ નોર્ટજે, વર્નોન ફિલેન્ડર, ડેન પીટ, કાગિસો રબાડા, ઝુબેર હમઝા.