ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી અને ચોથી જુલાઈએ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જોકે, પ્રદેશ ભાજપ પાસે અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ હજુ આવ્યો નથી જેથી તેમના પ્રવાસમાં થોડો ફેરફાર થવાની પણ શક્યતાઓ છે.
હાલમાં જે વિગતો મળી છે તે મુજબ અમિત શાહ બીજી જુલાઈએ મોડી રાત્રે જ અમદાવાદ આવી જશે. તેઓ એસજી હાઇવે પર થલતેજ ખાતેના પોતાના નિવાસસ્થાને જશે. ત્રીજી જુલાઈએ તેઓ અમદાવાદના ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે બનેલા ઓવર બ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂકશે.
આ બ્રિજ તૈયાર કરવા પાછળ લગભગ 58 કરોડનો ખર્ચ થયો છે અને 2 વર્ષથી તેનું કામ ચાલુ હતું. આ બ્રિજનું લોકાર્પણ થતાં જ ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે રોજ જે ટ્રાફિક જામ થતો હતો તેનો નિકાલ આવી જશે.
અમિત શાહ ત્રીજી જુલાઇએ સાંજે અને રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના ટોચના નેતાઓ સાથે મિટિંગ પણ કરશે જેમાં પાંચમી જુલાઈએ રાજ્યસભાની ગુજરાતની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરશે.
ત્યારબાદ અમિત શાહ પાંચમી જુલાઇએ સવારે એટલે કે અષાઢી બીજના રોજ અમદાવાદના જમાલપુરમાં આવેલા ઐતિહાસિક એવા જગન્નાથજીના મંદિરે જશે. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાન જગદીશના દર્શન કરશે અને પૂજા-અર્ચના કરશે ત્યારબાદ તેઓ બપોર પછી રાજકીય મીટીંગો ગોઠવી શકે છે. તેમજ ગુજરાત સરકારમાં વિસ્તરણ અને મંત્રીઓને માર્ગદર્શન આપશે.
5મી જુલાઇના રોજ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી યોજાવાની હોય તેઓ રાજકીય નેતાઓ સાથે આ સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરશે. ચોથીએ મોડી સાંજે તેઓ નવી દિલ્હી તરફ જવા રવાના થાય તેવી શક્યતાઓ છે.

