આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુના અમરાવતી સ્થિત મકાન ‘પ્રજ્ઞા વેદિકા’ પર બુધવારે બુલડોઝર ફરી વળ્યું છે. આ મકાનને તોડી પાડવાનો આદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ થોડા દિવસ પહેલા જ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ્ડિંગ ગેર કાયદેસર છે અને આવા તમામ મકાનને તોડી પાડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે જેની શુભ શરૂઆત ‘પ્રજ્ઞા વેદિકા’થી થઈ છે.
આ મકાન નાયડુ સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ આઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતું. નાયડુના મકાનની નજીકમાં આવેલા આ કોન્ફરન્સ હોલમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજતા હતા. આ હોલ ખૂબ જ વિશાળ હતો અને તમામ સુવિધાઓથી સંપન્ન હતો. અમરાવતીમાં કૃષ્ણા નદી કિનારે બનેલા નાયડુના આ બંગલા અને કોન્ફરન્સમાં ફક્ત એક જ દરવાજો હતો.
નવી સરકાર આવ્યા પછી ચર્ચાઓ થઈ રહી હતી કે નવી સરકાર આ મકાનનો ઉપયોગ કરશે કે નહીં, અને જો હા, તો નાયડુ આ બંગલામાં ક્યાં સુધી રહેશે? પરંતુ જગન રેડ્ડીએ આ જ મકાનની અંદર બેઠક યોજીને બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે દાવો કરતા કહ્યું કે આ બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે સરકાર પાસેથી કોઈ મંજૂરી માગવામાં આવી નહતી.
મુખ્યમંત્રી જગન રેડ્ડીએ કહ્યું કે સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મકાન બનાવવા માટેની મંજૂરી આપી નહતી. તેમ છતા નદી સાથે સંકળાયેલા નિયમોનો ભંગ કરીને આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મકાનના નિર્માણ માટે કોઈ ટેન્ડર પણ પાસ કરવામાં આવ્યું નહતું. શરૂઆતમાં આ બનાવવા માટેની કિંમત પાંચ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી પરંતુ તેનો ખર્ચ અધધ આઠ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
આ મામલે પ્રતિક્રિયા આપતા નાયડુએ કહ્યું કે, ‘આટલા સુંદર મકાનને તોડવું એ એક અત્યંત મૂર્ખામી ભર્યુ પગલું છે. અમે સરકારને આગ્રહ કર્યો હતો કે તે આને ના તોડે કારણકે આનો ઉપયોગ અમે વિપક્ષના નેતા તરીકે પણ કરી શકીએ છે અને જો તેઓ અમને આ મકાન આપવા ન ઈચ્છતા હોય તો તેઓ આનો ઉપયોગ કરી શકે છે, તોડવાની જરૂર શું છે?’

