નવાઝ શરીફની તબિયત વધારે લથડી, દીકરીને સાથે રહેવાની મંજૂરી મળી; વિદેશમાં સારવાર માટે ચર્ચા ચાલુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત વધારે લથડી ગઈ છે. તેમની સજા સસ્પેન્ડ કરવા માટે પાર્ટી પીએમએલ-એનએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ વિશે સુનાવણી દરમિયાન સરકારી હોસ્પિટલના નિર્દેશકે નવાઝ શરીફની હેલ્થનું અપડેટ આપ્યું છે. બીજી બાજુ પૂર્વ વડાપ્રધાનની દીકરી મરિયમને હોસ્પિટલમાં તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે સરકારે આ વિશે ઈનકાર કર્યો હતો.

જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે નવાઝ શરીફને સારવાર માટે વિદેશ લઈ જવાની મંજૂરી મળશે કે નહીં. હાઈકોર્ટે કહ્યું છે કે, અમે દરેક વાત પર વિચાર કરી રહ્યા છીએ. દરેક તથ્ય અને પક્ષ વિશે વિચાર કરીશું. ચૌધરી શક્કર મિલ કૌભાંડમાં નવાઝ શરીફને 7 વર્ષની સજા આપવામાં આવી છે.

તાત્કાલિક સુનાવણીની માંગ મંજૂર
શુક્રવારે પાકિસ્તાનમાં રજા હતી પરંતુ નવાઝ શરીફની અરજીની સુનાવણી માટે હાઈકોર્ટમાં બેન્ચ બેઠી હતી. પીએમએલ-એનએ બે માંગણી મૂકી છે. પહેલી- ગંભીર બીમારીના કારણે પૂર્વ વડાપ્રધાનની સજા સસ્પેન્ડ કરી દેવામાં આવે. બીજી- નવાઝ શરીફને સારવાર માટે વિદેશ લઈ જવાની મંજૂરી આપવામાં આવે. એક અન્ય માંગણી સરકાર અને સ્થાનિક કોર્ટને પણ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરી મરિયમને હોસ્પિટલમાં નવાઝની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. મરિયમ પણ ભ્રષ્ટાચાર મામલે જેલમાં છે. સરકારે ગુરુવારે આ મંજૂરી નહતી આપી પરંતુ શુક્રવારે આ મંજૂરી આપવામાં આવી છે.