સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતુ. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી. એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.
બે કલર પ્રિન્ટર, કોરા કાગળોસ બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
બે દિવસ પહેલાં જ વડોદરા શહેર પોલીસના એસઓજી રૂ. 87500ની 500ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પુછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશીષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હીરાના કારીગરો 100 અને 500ના દરની નોટો છાપતા હતા
હીરાના વેપારમાં મંદી હોવાથી પાંચેય યુવાનોએ ભેગા મળી બનાવટી નોટો છાપવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં માસ્ટર માઇન્ટ સંજય પરમારે યુ ટ્યૂબ પર એક નોટો છાપવા માટેનો વીડિયો સર્ચ કર્યો હતો. વીડિયોમાં નોટો છાપવાની એકદમ સરળ પદ્ધતિ શોધી કાઢી હતી. ત્યારબાદ સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં 100 અને 500ના દરની અસલી નોટો પહેલા સ્કેન કરી હતી. અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લા ચાર મહિના અંદાજીત બે લાખ રૂપિયાની બનાવટી છાપી દીધી હતી. ભેજાબાજ યુવાનોએ સુરતમાં વિવિધ સ્થળોએ નોટ વટાવવાનો પ્રયા કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા.
સુરતમાં બનાવટી નોટો છાપી વડોદરામાં કંઇ રીતે પહોંચતી કરી
સંજય પરમાર કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું અને ત્યારબાદ 100 અને 500ના દરની 1.60 લાખની બનાવટી નોટો છાપી, રૂ. 50,000માં આભિષેક માંગુકીયાને આપી હતી. અભિષેકે 1.60 લાખની બનાવટી નોટો કુલદીપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલા પોરબંદરના અર્જુન મેર આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂ. 50,000 લીધા હતા. જોકે આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરએ 87,500ની બનાવટી નોટો કુલદિપને પરત કરી હતી. જેમાંથી રૂ. 35000ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.
