માહિતી અધિકાર કાર્યકર (RTI એક્ટિવિસ્ટ) અમિત જેઠવા હત્યા કેસ મામલે અમદાવાદની સ્પે. CBI કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાલ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પહેલા આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. અમદાવાદમાં CBI કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
જેઠવાની હત્યાના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે જ 25 હજાર રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી જેઠવાના પરિવારજનોને 11 લાખ અપાશે. જેમાં 5 લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ તેના બે સંતાનોને અપાશે.
– ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને 15 લાખ દંડ
– શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટમાં આજીવન સજા અને 10 લાખનો દંડ
– ઉદાજી ઠાકોરને 25,000નો દંડ
– શિવા પચાણને 8 લાખનો દંડ તેમજ 302, 120-Bમાં સજા
– શિવા સોલંકીને 15 લાખ દંડ
– બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને 302, 120-Bમાં સજા અને 10 લાખનો દંડ
– સંજય ચૌહાણને 1 લાખનો દંડ
ઉલ્લેખનિય છે કે ગિર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખાણ-ખનીજ ખનન સામે અવાજ ઉઠાવનાર માહિતી અધિકાર કાર્યકાર અમિત જેઠવાની વર્ષ 2010માં હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી અમિત જેઠવાન હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં ગુજરાત પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના સાંસદના ભત્રીજા શિવા સોલંકી અને શાર્પ શુટર શૈલેષ પંડયા સામેલ હતા. જેને કોર્ટે દોષિત ઠેરવ્યા છે.
આ મામલે CBI દ્વારા તપાસ કરવામાં આવતા સાંસદ દીનું બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ CBIને તપાસ સોંપાઈ હતી. CBIના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.
અમિત જેઠવા હત્યા મામલે 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. તેમાંથી દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓને CBI કોર્ટે જુબાની લીધી હતી. પરંતુ તેમાં પણ તે ફરી ગયા હતા. જેને ધ્યાને રાખીને CBI કોર્ટે ફરી જનાર તમામ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો.
CBI કોર્ટે આ મામલે એક સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીના પુત્રના અપહરણ મામલે પણ તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.

