અમેરિકાના એક હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થતા તેની વૈશ્વિક સ્તરે ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે પણ બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.
વૈશ્વિક બજારોમાં સોનાના ભાવો આશરે 1 ટકા વધી ઔંસ દીઠ 1,543.66 ડોલર થયા છે. ત્યારે ઘરઆંગણે પણ સોના અને ચાંદીના ભાવોમાં આશરે 800 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.
આજે મુંબઈ ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂા.838 એટલે કે 2 ટકા વધી રૂા.40,115 થયા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂા.800 વધી રૂા.47,836 થયા હતા. અમદાવાદના સ્થાનિક બજારોમાં દસ ગ્રામ સોનાના ભાવ 41,000 સપાટી કુદાવી 41,200 થયા હતા જ્યારે ચાંદીના ભાવો પણ આશરે રૂા.800 વધી રૂા.47,000 આસપાસ રહ્યા હતા.
યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ગગડતા તેમ જ અમેરિકાએ ઈરાનની વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીને એક હુમલામાં મારી નાંખતા હવે અમેરિકા-ઈરાન વચ્ચે સંબંધ તંગ બને તેવી પૂરી શક્યતા છે, આ સંજોગોમાં સેફ હેવન તરીકેની ઓળખ ધરાવતા સોનાના ભાવોમાં આજે તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ આશરે 4 ટકા ઉછળી 70 ડોલર થયા હતા. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીયસ્તરે ઈરાન દ્વારા અમેરિકા સામે પ્રતિક્રિયા આપે તેવી દહેશત વચ્ચે ક્રુડ, સોના-ચાંદીમાં આ ઉછાળો જોવા મળ્યો હતો.