જેકે લોન સરકારી હોસ્પિટલમાં સ્થિતિ સુધરવાનું નામ જ નથી લેતી. શુક્રવારે સવારે અહીં વધુ એક નવજાત બાળકનું મોત થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનો 15 દિવસ પહેલાં જ જન્મ થયો હતો. માતા-પિતાએ હજી તેનું નામ પણ નહતું રાખ્યું. હોસ્પિટલમાં છેલ્લા 33 દિવસમાં 105 બાળકોના મોત થયા છે. 2019માં અહીં 963 બાળકોના મોત થયા હતા. બાળકોના મોત પછી પણ હજુ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જયપુરથી માત્ર 4 કલાકના જ અંતરે કોટા આવ્યું છે તેમ છતાં સ્વાસ્થય મંત્રી રઘુ શર્માએ ગુરુવાર સુધી આ હોસ્પિટલની મુલાકાત લીધી નહતી. આટલા સમય પછી હવે જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચવાના છે ત્યારે પ્રશાસને તેમના સ્વાગતમાં ગ્રીન કાર્પેટ પાથરી હતી. જોકે આ વાતનો વિવાદ થતાં અંતે પ્રશાસને તે ગ્રીન કાર્પેટ હટાવી દીધી હતી.
રાતો-રાત હોસ્પિટલની કાયાપલટ થઈ
સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માને સારુ બતાવવા માટે પ્રશાસને રાતો રાત હોસ્પિટલની કાયાપલટ કરી દીધી છે. તમામ વોર્ડમાં કચરા પોતા થઈ ગયા હતા. બેડ પર નવી ચાદરો લગાવી દેવાઈ એટલું જ નહી ડોક્ટરો પણ સવારે 8 વાગ્યાથી તેમની કેબિનમાં પહોંચી ગયા હતા. દર્દીઓ અને તેમના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ સ્વાસ્થ્ય મંત્રીની સામે બધુ સારું સારું જ કહે. મંત્રીના સ્વાગત માટે હોસ્પિટલના મેઈન ગેટ પર પાથરેલા ગ્રીન કાર્પેટ પર દર્દીઓ અને તેમના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. દર્દીઓના કહ્યાં પ્રમાણે, મંત્રીજી અહીંયા કોઈ ઉદ્ધાટન સમારોહમાં આવી રહ્યા છે કે પછી હોસ્પિટલની સમસ્યા દૂર કરવા માટે? જે માસૂમોના મોત થયા હતા, તેમના પરિવારજનોએ કહ્યું- જે કે લોન હોસ્પિટલમાં મંત્રી માટે ગ્રીન કાર્પેટ પાથરવાથી અમારા પર શું વીતી રહ્યું છે એ અમને જ ખબર છે. જે કે લોન કોટા-બૂંદી સંસદીય વિસ્તારનું સૌથી મોટું સરકાર હોસ્પિટલ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા આ ક્ષેત્રથી સાંસદ છે.
બાળકીની દાદીએ કહ્યું- ડોક્ટર કહેતા હતા બધુ સારુ થઈ જશે
શુક્રવારે સવારે જે બાળકીનું મોત થયું છે તેની દાદી અનારા દેવીએ જણાવ્યું કે, મારા દીકરા ઓમ પ્રકાશના ઘરે 15 દિવસ પહેલાં જ દીકરી આવી છે. દીકરીનો જન્મ ગામમાં જ થયો હતો. તબિયત ઠીક ન હોવાના કારણે તેને જેકે હોસ્પિટલમાં લાવ્યા હતા. બાળકીની યોગ્ય રીતે સારવાર જ ન કરાઈ. આ હોસ્પિટલમાં ખબર નહીં કેટલા બાળકો મરી ગયા. તેમ છતાં ડોક્ટર્સ કહેતા રહ્યા કે બધુ ઠીક કરી દઈશું. તેમ છતાં અમારી દીકરી સાજી ન થઈ. બીમારી વિશે તો અમે કઈ નથી જાણતા, ડોક્ટર્સ જ જાણે છે.
ભાસ્કરે મંત્રીને પૂછ્યું- અત્યાર સુધી કોટા કેમ નથી ગયા?
- કોટાના પ્રભારી મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને સ્વાસ્થય મંત્રી રઘુ શર્મા આજે કોટા પહોંચવાના છે. ગયા મહિને જેકે લોન હોસ્પિટલમાં સતત બાળકોના મોત થયા હતા પરંતુ ત્યારે મંત્રી રઘુ શર્મા પોતે કોટા જવાની જગ્યાએ જયપુરમાં નિવેદન કરીને ગઈ વખતે ભાજપ સરકારમાં કેટલા બાળકોના મોત થયા તેનો આંકડો ગણાવી રહ્યા હતા. જ્યારે 25 ડિસેમ્બર પછી અચાનક આંકડો વધવા લાગ્યો ત્યારે તેમણે માત્ર એક તપાસ કમિટીને કોટા મોકલીને માહિતી લીધી હતી. આ રિપોર્ટના આધારે અમુક ડોક્ટર્સની ટ્રાન્સફર કરવામાં આવી. ગુરુવારે જ્યારે ભાસ્કરે રઘુ શર્માને પૂછ્યું કે કોટા કેમ નથી ગયા? ત્યારે જવાબ મળ્યો હતો કે, જયપુરથી સિસ્ટમ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કોટા તો ગમે ત્યારે જતો રહીશ.
- આ સિવાય આજે કેન્દ્રની હાઈ લેવલ ટીમ પણ કોટા પહોંચવાની છે. કોટામાં બાળકોના મોતનો આંકડો આ પહેલી વખત નથી. 2014માં 15,719 બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમાંથી 1198 બાળકોને બચાવી શકાયા નહતા. 2015માં 17,579 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી 1260 બાળકોને બચાવી શકાયા નહતા.
ભાસ્કર તપાસ: જે હોસ્પિટલમાં બાળકોની સારવાર કરવામાં આવે છે ત્યાં 44 વેન્ટીલેટર, 1430 વોર્મર ખરાબ
રાજ્યમાં દર વર્ષે 28 દિવસથી ઓછી ઉંમરના 34 હજારથી વધારે બાળકો જીવ ગુમાવી દેછે. 1 વર્ષની ઉંમર સુધી જોઈએ તો આ આંકડો 41 હજાર કરતાં વધારે છે. સ્થિતિનો અંદાજ એ વાત પરથી મેળવી શકાય છે કે, બાળકોની સારવાર માટે 230 માથી 44 વેન્ટિલેટર ખરાબ છે. જ્યારે સમગ્ર રાજ્યમાંથી 1430 વોર્મર ખરાબ છે. પરિણામે દર અઠવાડિયે 490થી વધારે બાળકોના મોત થાય છે.

