રાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ

ગુજરાત

શહેરમાં ગઈ તા. ૧ નવેમ્બરથી હેલ્મેટના કાયદાનાં ભંગ બદલ ૫૦૦ રૂપિયાનો આકરો દંડ વસુલવાનું પોલીસે શરૂ કર્યું હતું. ગઈકાલે હેલ્મેટ મરજીયાતની રાજય સરકારે જાહેરાત કરી ત્યાં સુધીમાં શહેરમાં પોલીસે હેલ્મેટ બદલ વાહન ચાલકોને એકંદરે ૩.૬૦ કરોડ જેવી માતબર રકમનો દંડ ફટકાર્યો હતો. સૌરાષ્ટ્રનાં સાત જીલ્લા જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં હેલ્મેટનાં ભંગ બદલ અત્યાર સુધી અંદાજે ૨૫ લાખનો દંડ વસુલાયો તેની સામે એકલા રાજકોટમાં ૨૫ લાખનો દંડ પોલીસ રોજ ફટકારતી રહી હતી. શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની જીદને કારણે પોલીસે શેરીએ, ગલીએ, મુખ્ય માર્ગો, સહિતનાં સ્થળોએ હેલ્મેટનાં કેસો કરવામાં અતિરેક કર્યું હતું. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રભરમાં ઉચ્ચ અધિકારીઓએ પ્રેકટીકલ વલણ અખત્યાર કરી કેસો કરવામાં સંયમ દાખવ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ, ગઈ તા.૧ નવેમ્બરથી તા.૪ ડિસેમ્બર સુધીમાં આરટીપી એપ હેઠળ અને સીસીટીવી કેમેરાનાં માધ્યમથી હેલ્મેટનાં ભંગ બદલ ૬૭,૨૪૮ વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતાં, જેનાં દંડની રકમ ૩,૩૬,૨૪,૦૦૦ થાય છે. જયારે ટ્રાફિક પોલીસે ૪૬૩૭ કેસો કરી એકંદરે ૨૩,૧૮,૫૦૦નો હાજર દંડ વસુલ્યો હતો. આ રીતે કેમેરાનાં માધ્યમની અને સ્થળ પર કરેલા કેસો જોતા માત્ર ૩૪ દિવસમાં ૭૧,૯૯૫ વાહન ચાલકોને દંડી એકંદરે ૩.૫૯,૪૨,૫૦૦નો દંડ ફટકારાયો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, હેલ્મેટ બદલઅત્યાર સુધી જે ઈ.ચલણ જનરેટ થયા છે તેમાંથી માત્ર ૩૦ ટકા વાહન ચાલકોએ જ દંડની રકમ ભરપાઈ કરી છે. તે જોતા સરકારી તિજોરીમાં અત્યાર સુધીમાં હેલ્મેટ માટે એકાદ કરોડની રકમ જમા થઈ છે. હેલ્મેટનાં કાયદા માટે શહેર પોલીસે કડકાઈ દાખવતાં અનેક વાહન ચાલકોને કાળા બજારમાં હેલ્મેટની ખરીદી કરવી પડી હતી. હેલ્મેટની ખરીદીમાં વાહન ચાલકોએ ખર્ચેલાં કરોડો રૂપિયા હવે પાણીમાં ગયા છે.