ઓવૈસીએ લોકસભામાં ફાડી નાગરિકતા બિલની કૉપી, મચ્યો જોરદાર હોબાળો

મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમમાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ સદનની મર્યાદા ભૂલતા બિલની કૉપી જ ફાડી નાંખી. આના પર ભારે હોબાળા બાદ સ્પીકરની ચેર પર હાજર રમા દેવીએ તેમની આ હરકતને કાર્યવાહીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. ઓવૈસીએ બિલનો તીખો વિરોધ કરતા કહ્યું કે, “અમે ઝીણાની વાતને ફગાવીઅને મૌલાના આઝાદની વાતની સાથે ચાલ્યા, તેમણે કહ્યું હતુ કે આપણો હિંદુસ્તાન સાથે 1000 વર્ષ જૂનો સંબંધ છે. આખરે સરકારને મુસ્લિમોથી આટલી સમસ્યા કેમ છે?”

આ એક બીજુ વિભાજન થઈ રહ્યું છે – ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે, “આ બિલની વિરુદ્ધ ઉભો છું. આપણે જ્યારે સંવિધાન બનાવ્યું હતુ ત્યારથી અત્યાર સુધી કેટલું નીચુ પડ્યું છે. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાનની પ્રસ્તાવનામાં ભગવાન અથવા ખુદાનું નામ લખવાનો વિરોધ કર્યો હતો.” ઓવૈસીએ કહ્યું કે, “તમે મુસ્લિમોને સ્ટેટલેસ બનાવી રહ્યા છે. આ એક બીજુ વિભાજન થઈ રહ્યું છે.”

આ બિલ અલ્પસંખ્યકોની વિરુદ્ધ નથી – અમિત શાહ

તો બીજી તરફ આ બિલ પર ગૃહમંત્રી અમિત શાહ પહેલાથી જ તમામ ચીજો સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતુ કે, “પાડોશી દેશોમાં મુસલમાનોની વિરુદ્ધ ધાર્મિક પ્રતાડના નથી થતી. આ કારણે આ બિલનો ફાયદો તેમને નહીં મળે. જો આવુ થયું તો આ દેશ તેમને પણ આનો ફાયદો આપવા પર વિચાર કરશે.” સાથે જ તેમણે દાવો કર્યો કે, “આ બિલ અલ્પસંખ્યકોની વિરુદ્ધ નથી.”

દર વખતે તાર્કિક વર્ગીકરણનાં આધારે જ નાગરિકતા આપવામાં આવે છે

આ ઉપરાંત ગૃહમંત્રી શાહે એ પણ કહ્યું કે, “ગૃહમાં નિયમ 72(1) પ્રમાણે આ બિલ કોઈપણ આર્ટિકલનું ઉલ્લંઘન નથી કરતુ. કલમ-11ને સંપૂર્ણ વાંચો. કેટલાક સભ્યોને લાગે છે કે આ બિલથી સમાનતાનાં અધિકારનું ઉલ્લંઘન થાય છે. પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ 1971માં નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી આવેલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવે તો પાકિસ્તાનથી આવેલા લોકો સાથે આવુ કેમ ના કરવામાં આવ્યું? ત્યારબાદ યુગાંડાથી આવેલા લોકોને કૉંગ્રેસનાં શાસનમાં નાગરિકતા આપવામાં આવી. ત્યારે ઇંગ્લેન્ડથી આવેલા લોકોને કેમ ના આપવામાં આવી? ત્યારબાદ દંડકારણ્ય કાયદો લાવીને નાગરિકતા આપવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધીએ અસમ કરાર કર્યો. તેમાં પણ 1971ની જ કટ ઑફ ડેટ રાખવામાં આવી તો શું સમાનતા થઈ? દર વખતે તાર્કિક વર્ગીકરણનાં આધારે જ નાગરિકતા આપવામાં આવે છે.”