જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ જાત જાતના તરકટો કરનાર પાકિસ્તાનની બુધ્ધિ હવે ઠેકાણે આવતી હોય તેમ લાગે છે.
અત્યાર સુધી યુધ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીતનો વિરોધ કયારેય કર્યો નથી પણ ભારત દ્વારા જે માહોલ બનાવાઈ રહ્યો છે તેમાં વાતચીતની શક્યતા નથી દેખાતી.
કુરેશીએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં જે રાજકીય નેતાઓની ધરપકડ કરાઈ છે તેમને છોડવામાં આવે એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શક્ય છે.કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન, ભારત અને કાશ્મીરના લોકો એમ ત્રણ પક્ષ છે.જોકે કોઈ પણ બહારી હસ્તક્ષેપ આવકારદાયક છે.હું કાશ્મીરી નેતાઓને મળવા માંગુ છું.
કુરેશીનુ નિવેદન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાનના એ નિવેદન બાદ આવ્યુ છે જેમાં ઈમરાખાને કહ્યુ હતુ કે, હવે પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવાની પહેલ કરવાનુ બંધ કરી દીધુ છે.

