મહારાષ્ટ્રની એક કોર્ટે હાઉસિંગ પ્રોજેક્ટમાં કૌભાંડ મામલે શનિવારે રાજ્યના બે પૂર્વ મંત્રી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર સહિત 48 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ધુલે જિલ્લા સેશન્સ કોર્ટના સ્પેશલ જજ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને 7 વર્ષની સજા સંભળાવી અને તેમના પર 100 કરોડનો દંડ લગાવ્યો હતો. દેવકરને 50 લાખના દંડ સાથે 5 વર્ષની જેલ જ્યારે અન્ય દોષિતોને 3થી 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
સજાના એલાન બાદ કોર્ટમાં મોજૂદ દરેક 48 દોષિતોને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. 29 કરોડ રૂપિયાના ઘરકુલ આવાસ કૌભાડના દોષિતોમાં કેટલાય કાઉન્સિલર અને અધિકારીઓ પણ સામેલ છે. આ મામલો 1990ના દાયકાનો છે. જલગાંવ નગર નિગમના પૂર્વ કમિશ્નર પ્રવીણ ગેદામે ફેબ્રુઆરી 2006માં આ પ્રોજેક્ટમાં ગોટાળો થયો હોવાને લઇને ફરિયાદ દાખલ કરી હતી. આ પરિયોજનામાં જલગાંવના બાહ્ય વિસ્તારમાં 5 હજાર મકાન બનવાના હતા પરંતુ 1500 મકાન જ બન્યા હતા.
જૈન અને દેવકરની પહેલા ધરપકડ થઇ હતી
શિવસેના નેતા સુરેશ જૈનનું નામ કૌભાંડમાં આવવા પર માર્ચ 2012માં ધરપકડ થઇ હતી. તે લગભગ એક વર્ષ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાઉસિંગ પ્રોજેક્ટમાં ગોટાળા સમયે જૈન મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી હતા. એનસીપી નેતા દેવકરની ધરપકડ પણ મે 2012માં થઇ હતી. તેમને ત્રણ વર્ષ બાદ જામીન મળ્યા હતા. તેઓ 1995 થી 2000 સુધી જલગાવ નિગમના કાઉન્સિલર હતા. બન્ને પર બિલ્ડર સાથે મિલિભગતના આરોપ હતા.

