ઉત્તર પ્રદેશ: તોફાન અને વીજળી પડતા 19 મોત, અન્ય 48 ઘાયલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશની અલગ-અલગ વિસ્તારોમાં આવેલા તોફાન અને વીજળી પડવાની ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે, આ કુદરતી આપત્તિમાં અન્ય 48થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના રાહત બચાવ વિભાગે શુક્રવારે આપેલી માહિતી મુજબ મૈનપુરીમાં સૌથી વધારે છ લોકોના મોત થયા. મુરાદાબાદમાં વીજળી પડતા એક વ્યક્તિની મોત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, જેમાં મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ પલટો થવાની આગાહી કરવામા આવી હતી, ઉત્તર પ્રદેશમાં ગુરુવાર સાંજે આવેલા તોફાને ભારે તારાજી સર્જતા વૃક્ષોને ધરાશાયી કર્યા હતા તેમજ મકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તોફાનથી પ્રભાવિત વિસ્તારો માટે સંલગ્ન અધિકારીઓને રાહત બચાવનું કામ શરુ કરવા તેમજ નુકસાનનું મૂલ્યાંકનનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં આવેલા તોફાને અનેક વિસ્તારોમાં વીજળી ઉડાવી દીધી હતી. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ મૃતકોના પરિવારજનોને ચાર લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તોફાનથી પ્રભાવિત પરિવારો માટે યોગ્ય વળતરની માંગ કરતા માયાવતીએ પણ સરકાર સમક્ષ મદદની અપીલ કરી હતી.