ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સાયન્સની મુખ્ય ચાર વિષયની એમસીક્યુ પ્રશ્નોની આન્સર કી જાહેર કરવામા આવી છે.આ આન્સર કી પ્રોવિઝનલ છે અને જેમાં કેમેસ્ટ્રીમાં એક તેમજ ગણિતમાં એક સહિત બે પ્રશ્નમાં ભૂલ હોવાથી ચારમાંથી એકને બદલે બે વિકલ્પ સાચા ગણાશે અને તે મુજબ વિદ્યાર્થીને માર્કસ અપાશે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પુરી થયા બાદ બોર્ડ દ્વારા આજે ગણિત,કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી સહિતના મુખ્ય ચાર વિષયમાં ૫૦ એમસીક્યુ પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે. ચારેય વિષયમાં ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમની વિવિધ પ્રશ્નપત્ર સેટ પ્રમાણે સાચા વિકલ્પો સાથેની આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકી દેવામા આવી છે.જેમાં કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી બે વિકલ્પ સાચા ગણાશે.જ્યારે ગણિતમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી બે વિકલ્સ સાચા ગણાશે. બોર્ડે ૮થી૧૦ વિષય નિષ્ણાંતોને બોલાવીને તૈયાર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી મુજબ જે બે વિકલ્પ સાચા અપાયા છે તેમાંથી કોઈ પણ એક વિકલ્પ વિદ્યાર્થીએ જવાબમા લખ્યો હશે તો માર્કસ આપવામા આવશે. આ પ્રોવિઝનલ કી સામે કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી ઓનલાઈન વાંધા રજૂઆત કરી શકશે અને જે ૪થી એપ્રિલ સુધી જ કરી શકાશે. એક પ્રશ્નદીઠ એક રજૂઆત ઈમેઈલથી જ કરવાની રહેશે અને પ્રશ્નદીઠ રજૂઆત માટે ૫૦૦ રૃપિયા ફી ભરવાની રહેશે. લેખિત પુરાવા કે આધારો સાથે રજૂઆત કરવાની રહેશે અને રજૂઆત સાચી ઠરશે તો ભરેલી ફી પરત કરી દેવામા આવશે.
