ગુજરાત વિધાનસભાનુ ત્રિદિવસીય સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. જોકે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ રોડ સંગ્રામ જોવા મળ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરાઈ હતી. તો વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વોટર કેનાલના મારાના કારણે એકઠી થયેલી ભીડને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. જેમાં અમિત ચાવડા પર પણ વોટર કેનાલનો મારો ચલાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવતા તેઓ પણ રોષે ભરાયા હતા અને સરકાર વિરૂદ્ધના નારા લગાવ્યા હતા.
સત્યાગ્રહ છાવણી ખાતે સભાનું કરવામાં આવ્યું હતું આયોજન
ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ પહેલા કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે સભાનુ આયોજન કર્યુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ આગેવાની કરી હતી. શરૂઆતમાં કાર્યક્રમમાં પાર્ટી કાર્યકરોની પાંકી હજારી જોવા મળી. જોકે બાદમાં વિવિધ બેનર અને પાર્ટી ફ્લેગ સાથે કોંગી કાર્યકરો સભાસ્થળે પહોંચ્યા હતા. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરોએ પણ બેનર્સ સાથે જોડાયા હતા.
સમગ્ર વિસ્તાર છાવણીમાં તબ્દિલ કરાયો હતો
ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યકર્મને લઈને વિધાનસભા આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. સત્યાગ્રહ છાવણી મેદાનને કોંગ્રેસી કાર્યકરો છોડશે તો તમામ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પોલીસ વડા તરફથી 06 એસ.પી, 25 ડીવાયએસપી ,40 પી.આઈ, 125 પીએસઆઈ, 1500 જેટલા પોલીસ કર્મી, વોટર કેનન, વ્રજ વાહન તૈનાત કરાયા છે. વિધાનસભાના મુખ્ય દરવાજાઓ પર પર ચેકીંગ અને બેરિકેટિંગ રાખવામાં આવ્યું છે. બીટીએસને પણ કાર્યક્મ કરવા મંજૂરી અપાઈ નથી. અને બીટીએસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
રૂપાણી સરકારને ભીંસમાં લેવા માટે રણનીતિ
આ સત્રના દિવસો વધારવા માટે પણ કોંગ્રેસે કામકાજ સલાહકારસમિતીમાં માંગણી ઉઠાવી છે. સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસે રૂપાણી સરકારને ભીંસમાં લેવા માટે રણનીતિ ઘડી કાઢી છે. કોંગ્રેસ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા, પાક વિમો ઉપરાંત મોંઘવારી સહિતના મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરશે. રવિવારે મોડી સાંજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી જેંમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાનો પ્રસ્તાવ પણ વિધાનસભામાં રજૂ કરાય તેવી ચર્ચા કરાઇ હતી.
આ ઉપરાંત પાકવિમાના મુદ્દે કોંગ્રેસ વિધાનસભામાં હોબાળો મચાવીને રાજ્ય ખેડૂતોની સહાનુભૂતિ જીતવા પ્રયાસો કરશે. પેટાચૂંટણીમાં સારો દેખાવ અને મહારાષ્ટ્રમાં સરકાર રચાયા બાદ કોંગ્રેસ હવે આક્રમક વિપક્ષની ભૂમિકા ભજવવા ઉત્સુક છે તે જોતાં ત્રિદિવસીય વિધાનસભાનુ સત્ર તોફાની બને તેવી શક્યતા છે.
આઠ જેટલા સરકારી વિધેયકો રજૂ કરાશે
સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શોકદર્શક ઉલ્લેખ સાથે પ્રસ્તાવ રજૂ કરાશે. ત્યાર બાદ બીજી બેઠક યોજાશે. ત્રણેય દિવસો દરમિયાન પ્રશ્નોતરી કાળ પણ યોજાશે. આ સત્રમાં આઠ જેટલા સરકારી વિધેયકો રજૂ કરાશે જેમાં ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ તૃતિય સુધારા વિધેયક,ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અગેનુ સુધારા વિધેયક,ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતિય સુધારા વિધેયક,ગુજરાત વ્યવસાયી ટેકનિકેલ શૈક્ષણિક કોલેજો અને સંસૃથા બાબત સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ વિધેયક પણ રજૂ કરવામાં આવશે. સત્રમાં મુખ્યમંત્રી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના સંદર્ભમાં ય પ્રસ્તાવ રજૂ કરશે જેમાં વિપક્ષના ધારાસભ્યો ઉપરાંત મંત્રીઓ પોતાના વિચારો રજૂ કરશે.

