ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવવાના પ્રયત્ન કરી રહી છે ISI: ભારત સરકાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)એ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓને ફસાવવા માટે હનીટ્રેપનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. સરકારે આ ખુલાસો રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કર્યો હતો. 

રાજ્ય રક્ષા મંત્રી શ્રીપદ નાઇકે સોમવારે જણાવ્યું કે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને નિયમિત રીતે વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા હનીટ્રેપ પર મોડસ ઓપરેન્ડી સ્તરે જાગરુત કરવામાં આવે છે. 

મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના કેસો પર અંકુશ મેળવવા માટે સરકાર ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. આ સિવાય સરકાર દ્વારા દસ્તાવેજો અને સૂચનાઓની સુરક્ષા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. ગત મહિને હનીટ્રેપના કેટલાક મામલાઓનો ખુલાસો થતા ભારતીય સેનાએ એક એડવાયઝરી જારી કરી કર્મચારીઓને સતર્ક રહેવા અને વિદેશી નેતાઓ કે વિદેશી મૂળની મહિલાઓ તેમજ અજાણ્યા લોકો સાથે મૈત્રી સંબંધોથી બચવા જણાવ્યું હતું.

આ સિવાય સેનાએ પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 150 પ્રોફાઇલ્સની પણ ઓળખ કરી લીધી છે. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સોશયિલ મીડિયા ઓપરેટર્સ ભારતીય મૂળ વ્યક્તિ તરીકે પોતાની આઇડી બનાવી નકલી નામ અને ઓળખ સાથે સંપર્ક સાંધવાનો પ્રયત્ન કરે છે.