બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો પરંતુ તેઓ ફંદાની માંગ ક્યાંથી અને કયા ઉદ્દેશ્યથી કરાઈ છે તે બાબતે અજાણ છે. બક્સર જેલના અધિક્ષક વિજય કુમારના કહેવા પ્રમાણે જેલ નિયામકે તેમને 14 ડિસેમ્બર સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપેલો. વધુમાં જણાવ્યું કે, સંસદ હુમલામાં અફજલ ગુરૂને મોતની સજા આપવા બક્સર જેલમાં તૈયાર કરાયેલો ફાંસીનો ફંદો જ વાપરવામાં આવ્યો હતો. બક્સર જેલમાં ઘણા લાંબા સમયથી ફાંસીના ફંદા બનાવવામાં આવે છે અને એક ફાંસીનો ફંદો તૈયાર કરવા 7,200 કાચા દોરાનો ઉપયોગ થાય છે. પાંચ-છ કેદીઓ બે-ત્રણ દિવસની મહેનત બાદ એક ફંદો તૈયાર કરે છે. છેલ્લે એક ફંદો 1,725 રૂપિયામાં તૈયાર થયો હતો અને આ વખતે ગળામાં ફસાતી પીત્તળની બુશની કિંમત વધી હોવાથી પડતર કિંમત વધી શકે છે.

