પેટ્રોલ-ડીઝલ પર ગુજરાતીઓના ખીસ્સામાંથી આટલા કરોડ ખંખેરે છે રૂપાણી સરકાર એટલે જ જીએસટીમાં નથી કરતી સમાવેશ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

પેટ્રોલ-ડીઝલનો જીએસટીના માળખા હેઠળ સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા કોઇ રજૂઆત જ કરાઇ નથી તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું છે. 15 જાન્યુઆરી 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો જીએસટીનાં માળખામાં સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કેમ તેવો સવાલ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે પૂછાયો હતો.

વાર્ષિક આવકના લક્ષ્‍યાંકમાં પેટ્રોલ-ડીઝલની આવકનો સમાવેશ નહી

જેના પ્રતિઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ આવી કોઇ જ રજૂઆત નહીં કરાઇ હોવાનું સ્વીકાર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ-4 ટકા સેસ વસૂલવામાં આવે છે. જીએસટીની વાર્ષિક આવકના લક્ષ્‍યાંકમાં પેટ્રોલ-ડીઝલ મારફત થતી આવકનો સમાવેશ કરાતો નથી.

દરમિયાન સરકારે જારી કરેલી વિગત અનુસાર 1 એપ્રિલ 2019થી 15 જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલમાં વેટ-સીએસટી-સેસથી રૂપિયા 3380.61 કરોડ, જ્યારે ડીઝલમાં રૂપિયા 7524.64 કરોડની આવક થયેલી છે. આમ, વર્તમાન નાણાકીય વર્ષમાં 15 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના વેરાથી સરકારને 10905 કરોડી આવક થયેલી છે.

પેટ્રોલ-ડીઝલમાં વેરાથી સરકારને થયેલી આવક

વર્ષ પેટ્રોલ આવક ડીઝલ આવક
2017-18 રૂ.3991.20 કરોડ રૂ. 8883.63 કરોડ
2018-19 રૂ. 4266.67 કરોડ રૂ. 9734.63 કરોડ
એપ્રિલ-19થી 15 જાન્યુ.20 રૂ. 3380.61 કરોડ રૂ.7524.64 કરોડ

(વેટ+સીએસટી અને સેસનો વેરા હેઠળ સમાવેશ.)