જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત એઇમ્સ 200 એકરમાં જ બનાવાશે

ગુજરાત મુખ્ય સમાચાર

અગાઉ લેવાયેલા નિર્ણય મુજબ 300 એકર જમીનમાં એઈમ્સનું નિમાર્ણ થનાર હતું પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ પ્રાેજેકટમાં ફેરફાર કરીને હવે 300ના બદલે 200 એકરમાં એઈમ્સ બનાવવાનો નિર્ણય લેવાતાં આ પ્રાેજેકટ થોડો વિલંબમાં પડે તેવી સંભાવના ઉભી થઈ છે. રાજકોટ નજીક ખંઢેરી અને પરાપીપળિયાની જમીનમાં સાકાર થનાર એઈમ્સની ડીઝાઈનમાં ફેરફાર થયો છે. જો 300 એકર જમીનમાં એઈમ્સ બનાવવાનું થાય તો તે માટે ચાર ખાતેદાર ખેડૂતની જમીન સંપાદનમાં લેવાની થાય છે પરંતુ 100 એકર આેછી કરાતાં હવે માત્ર એક ખેડૂતની જમીન સંપાદન કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હાલ તુરંત જમીન સંપાદનની પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તરફથી વિધિવત રીતે સત્તાવાર સૂચના મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંપાદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે અને તેની અસર સમગ્ર પ્રાેજેકટ પર પડે તેવી શકયતા છે. જો કે, સંપાદનની કાર્યવાહી કેટલા સમય માટે સ્થગિત કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી.