સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને દિલ્હીમાં ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે એક બેઠક અન્ય માટે છોડી દેવામાં આવશે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં સાતે-સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ ગઠબંધન અંગે કાલે મોડી રાત્રે ૨.૦૦ વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હીના નેતાઓની એક બેઠક બોલાવી છે, જેમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ આમને સામને હશે. કેજરીવાલે કોઈ પણ સંજોગોમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવાનું નક્કી કર્યું છે અને તેથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે અનેક મતભેદો હોવા છતાં તેમણે તેની સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.

