પેપર અઘરું છે કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઇ વિદ્યાર્થીએ ‘મહેનત’ પર વિશ્વાસ રાખવો જોઇએ: બોર્ડ

ગુજરાત શૈક્ષણિક

જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૭મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય. આ ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના સત્તાધીશો દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ જારી કરાયા છે.

જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર સીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું, ઓએમઆર સીટમાં વાદળી/કાળી બોલપેનનો ઉપયોગ કરવો, ઓએમઆર સીટને વાળવી નહીં, ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો. જ્યારે ભાગ-રમાં પાઠયપુસ્તક આધારિત જવાબ લખવા, નવા પ્રશ્નની શરૂઆત નવા પાનેથી કરવી, એક આખો વિભાગ નવા પાનેથી શરૂ કરવો, વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી, વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા, એક જ બ્લયુરંગની શાહીથી લખવું, જેલ પેનનો ઉપયોગ ટાળવો, ઓળખાણ છતી થાય તેવા ચિહ્નો ટાળવા. બેન્ચ હાલતી હોય તો સુપરવાઇઝરને જાણ કરવી, ઓએમઆર સીટમાં ઇશ્વર કે અન્ય કોઇ દેવી દેવતાનું નામ કે કોઇ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું.