લોકોને ઢબુડી માતાના નામે ઠગતા ઠગના અનુયાયીઓમાં છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોમાં આવતા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના પારખા કરાવતા સમાચારોને લઈને નારાજગી છે. સમાચાર પત્રો ધનજીને કારણે ઉલ્લુ બની રહેલા લોકોની આંખ ઉગાડવા કેટલાક કિસ્સાઓ અને માહિતીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે. તેવા સંજોગોમાં આ અંગે કેટલાક અનુયાયીઓને અણગમો થતાં તેઓએ વિવિધ સ્વરૂપે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાકે સોશ્યલ મીડિયા તો કેટલાકે ફોન પર તો કેટલાકે અંદર અંદર ચર્ચામાં સમાચાર માધ્યમોને વખોડ્યા છે. આવા સંજોગોમાં એક પત્રકારને ધનજી ઓડ ઉર્ફે ઠબુડી માઁના ખાસ સેવક દ્વારા ન્યૂઝ બહાર પાડવાનું બંધ કરવા માટેની ધમકી આપવામાં આવી હતી. જેમાં તેમણે 4થી 5 કલાકમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું પણ જણાવતા પત્રકારે આખરે પોલીસ ફરિયાદ કરી છે.
આ અંગે ગાંધીનગર ખાતેના પેથાપુર પોલીસ મથકે ફરિયાદ લખાવતા ન્યૂઝ એજન્સીમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા કાર્તિકકુમર અજીતરાય જાની ગત 29મી ઓગસ્ટે બપોરે પોતાની સાથે કામ કરતાં રિપોર્ટર રવિન્દ્ર ભદોરિયા સાથે બાઈક પર જતાં હતા ત્યારે તેમના પર ફોન આવ્યો હતો.
તેમણે જોયું કે નંબર અનનોન હતો. તેમણે ફોન ઉપાડ્યો ત્યા સામેથી વ્યક્તિએ કહ્યું કે હું પ્રવિણ પરમાર બોલું છું, સુરેન્દ્ર નગરથી. હું ઢબુડી માતાજીનો ખાસ સેવક છું અને તમે ઢબુડી માતાજીનું પુરાવા વગરનું ન્યૂઝમાં ખોટી હકીકતો ચલાવવાનું બંધ કરી દો નહીંતર જોવા જેવું થશે, આનું પરિણામ ચાર-પાંચ કલાકમાં તમને મળી જશે.
આટલું કહ્યા પછી માતાજીના પરમભક્તે પત્રકાર જાની પર બીભત્સ શબ્દો વરસાવી મુક્યા અને ધમકી આપી હતી. જેનાથી તેમણે પોલીસની મદદ લેવાનું નક્કી કરી સુરેન્દ્રનગરના પ્રવિણ પરમાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ન્યૂઝ એજન્સી દ્વારા ઢબુડી માતાની માહીતી એકત્ર કરી ન્યૂઝ ચેનલ્સમાં સતત ચલાવીએ છીએ. આ ઢબુડી માતાજી ઉર્ફે ધનજી ઓડએ જ્યાં જ્યાં ગાદી કાર્યક્રમો કર્યા હોય ત્યાં જઈને માહિતી એકત્રિત કરીને અમે ન્યૂઝ ચલાવીએ છીએ. જેને કારણે આ સેવકે ધમકી આપી હતી.