ઓનલાઇન બુકીંગમાં નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂ. સર્વિસ ચાર્જ કાલથી લાગૂ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

IRCTC દ્વારા ટ્રેન ટિકિટની બુકીંગ પર 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ લાગશે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ લાગશે. GST અલગથી લાગૂ થશે. IRCTCએ શુક્રવારે આ જાણકારી આપી હતી. IRCTC દ્વારા ભારતીય રેલવેની કેટરિંગ, ટુરીઝમ અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળવામાં આવે છે.

પહેલા 20 અને 40 રૂપિયા ચાર્જ લાગતો હતો

સરકારે 3 વર્ષ પહેલા IRCTC દ્વારા ટ્રેનની ટિકિટ બુકિંગ પર સર્વિસ ચાર્જ ખતમ કરી દીધો હતો. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આવુ કરવામાં આવ્યું હતું. તે સમયે નોન એસી ટિકિટ પર 20 અને એસી ટિકિટ પર 40 રૂપિયા ચાર્જ લાગતો હતો.

સર્વિસ ચાર્જ ખતમ કરવાથી ઇન્ટરનેટ ટિકિટ રેવન્યૂ 26 ટકા ઘટી ગઇ હતી

નવેમ્બર 2016માં નોટબંધી બાદ IRCTCએ જૂન 2017 સુધી સર્વિસ ચાર્જમાં છૂટ આપી હતી. ત્યારબાદ તે છૂટ આગળ વધારવામાં આવી હતી. રેલવે બોર્ડ હવે ફરી સર્વિસ ચાર્જ લાગૂ કરવાની મંજૂરી આપી ચૂક્યું છે. અધિકારીઓનું કહેવું છે કે ચાર્જ હટાવવાના લીધે નાણાકીય વર્ષ 2016-17માં ઇન્ટરનેટ ટિકિટ રેવન્યૂ 26 ટકા ઘટી ગઇ હતી.