ગુજરાતભરમાં 1 સપ્ટે.થી મતદાર ચકાસણી-નોંધણી કાર્યક્રમ, એપ કે પોર્ટલ પરથી સુધારા થઈ શકશે

ગુજરાત મુખ્ય સમાચાર

એક સપ્ટેમ્બરથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના પરિવારના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે. આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નામ અને અન્ય વિગતોની ચકાસણી અને સુધારાની સુવિધા એપ અને પોર્ટલ પરથી થઈ શકશે.

ઓળખના આ 10 પુરાવાઓ પૈકી એકની જરૂર પડશે
પ્રમાણિકરણ માટે જે તે મતદારોએ ભારતીય પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ,સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ માટેનું ઓળખપત્ર, બેંક પાસબૂક, ખેડૂત ઓળખ પત્ર, પાન કાર્ડ, રાષ્ટ્રીય વસતી રજિસ્ટર (NPR) હેઠળ ભારતના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, અરજદારના અથવા તેના/તેણીના તરતના સંબંધી જેવા કે માતા-પિતા વગેરેના નામે તે સરનામાં પરનું છેલ્લું પાણી,ટેલિફોન,વીજળી, ગેસ જોડાણ બિલ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત નાગરિકોને ડિજિલોકર પરથી ચકાસેલા દસ્તાવેજો પણ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે નિયત ડિજિટલ પ્લેટફોર્મ પર જોગવાઈ કરવામાં આવી છે.

ઓનલાઈન અને ઈ-ગ્રામ કેન્દ્રો પર સુવિધા ઉપલબ્ધ
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નામ અને અન્ય વિગતોની ચકાસણી અને સુધારાની સુવિધા Voter Helpline Mobile App,www.nvsp.in, ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો, તથા સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીના મતદાર સહાયતા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે આ સુવિધા માટે નિયત કરેલ ફી રૂ. 1 થી રૂ. 3 સુધીની ચૂકવવાની રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને ચકાસણી માટે વોટર હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર 1950 મારફત સુવિધા આપવામાં આવશે.

નામ કમી કરવા માટે જરૂરી વિગતો ભરવાથી ફોર્મ નં. 7 ઓટોમેટિક જનરેટ થશે
ડૉ.મુરલી ક્રિષ્ણાએ આગળ જણાવ્યું હતું કે, મતદારની વિગતોની ચકાસણી દરમ્યાન વિગતોમાં જો કોઈ સુધારો જરૂરી જણાય તો તે અંગેનો સુધારો કર્યેથી તે માટેનું ફોર્મ-8 ઓટોમેટિક જનરેટ થશે. આ સુધારા માટેના જરૂરી પુરાવા મતદારે અપલોડ કરવાના રહેશે. મરણ પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના કિસ્સામાં નામ કમી કરવા માટે જરૂરી વિગતો ભરવાથી ફોર્મ નં. 7 પણ ઓટોમેટિક જનરેટ થશે.

વણ-નોંધાયેલા મતદારોની નોંધણી માટે ફોર્મ-6 ભરવાની સુવિધા
1 જાન્યુઆરી 2019ની લાયકાત તારીખના સંદર્ભમાં લાયકાત ધરાવતા અને વણ-નોંધાયેલા મતદારોની નોંધણી માટે ફોર્મ-6 ભરવાની સુવિધા પણ આપવામાં આવી છે. તેમજ 1 જાન્યુઆરીવ 2020 અને 1 જાન્યુઆરી 2021ના સંદર્ભમાં લાયક થનાર ભાવિ મતદાર જેઓની ઉંમર હાલમાં 16 કે 17 વર્ષની છે તેની વિગતો વોટર હેલ્પ લાઈન એપ/ NVSP / BLO App દ્વારા પણ રજૂ કરી શકશે.