પુણેમાં 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, 12ના મોત, 1000 પશુ મર્યા, પાણીમાં તણાયેલી ગાડીઓનો ખડકલો થયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વરસાદ અને દિવાલ પડવાની ઘટનાઓમાં લગભગ 12 લોકોનું મોત થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બીજી તરફ બુધવારે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા 11 હજાર લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતાં. પોલીસ પ્રમાણે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે અને બચાવકાર્ય ચાલુ છે. રિપોર્ટ પ્રમાણે 1 હજાર જેટલા પશુ મોતને ભેટ્યા છે અને કેટલીયે ગાડીઓ પૂરમાં તણાઇ ગઇ છે.

હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પુણે શહેરના કાત્રજ, બીબેવાડી, સિંહગઢ અને સહકાર વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. ઘણા વિસ્તારોમાં વિજ પુરવઠો પણ ઠપ્પ છે. NDRFની બે ટીમ પુણે અને બારામતીમાં તહેનાત છે. અધિકારીઓ પ્રમાણે પુણેના ખેડ-શિવપુર ગામમાં એક દરગાહમાં સૂતેલા પાંચ લોકો તણાઇ ગયા હતા. પોલીસ અધિક્ષક સંદીપ પાટિલે કહ્યું કે પુરંદર વિસ્તારના બે યુવકોના લાપતા થવાના સમાચાર છે.

ઝાડ પડવાથી ગાડીઓમાં નુકશાન, બીબેવાડી જતો પૂલ તૂટ્યો

ભારે વરસાદના લીધે ઘણી જગ્યાએ ઝાડ અને થાંભલા પડી ગયા હતા જેના લીધે ગાડીઓમાં નુકશાન થયું હતું. લેક ટાઉનથી બીબેવાડી તરથ જતો પૂલ પણ તૂટી ગયો છે. પરિસ્થિતિ જોતા પુણેના કલેક્ટરે શહેર સિવાય પુરંદર, બારામતી, ભોર અને હવેલી તાલુકામાં સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

પુણેમાં 4 મહિના પહેલા દિવાલ પડી જતા 15ના મોત થયા હતા
આ પહેલા જૂનમાં પુણેના કોંડવા વિસ્તારમાં દિવાલ પડવાથી 15 લોકોનું મોત થયું હતું. આ દરેક લોકો બિહારથી મજૂરી કરવા માટે અહીં આવ્યા હતા. ઘટના બાદ બિલ્ડર સહિત છલ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.