દિલ્હી અને ટોરન્ટો વચ્ચે નવી એર ઈન્ડિયા ફ્લાઇટ આવતીકાલથી શરુ થશે, અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ટોરન્ટો અને નવી દિલ્હીને જોડતી એર ઈન્ડિયાની ફ્લાઇટનો ઇન્તઝાર હવે ખતમ થયો છે. 27 સપ્ટેમ્બરથી આ રૂટમાં નવી ફ્લાઇટ શરુ કરવાની એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે. આ દિવસે વિશ્વ પ્રવાસન દિવસ પણ છે. આવતી કાલથી આ ફ્લાઇટ દિલ્હીથી ટોરન્ટો માટે ત્રણ વખત ઉડાન ભરશે. આ રૂટમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ફ્લાઇટ ઓપરેટ કરશે.

એક પ્રેસ નિવેદનમાં એરલાઇને કહ્યું- નેશનલ કેરીઅર એર ઈન્ડિયા તેની દિલ્હીથી ટોરોન્ટોથી નોન સ્ટોપ ફ્લાઇટ અમૃતસર અને અન્ય શહેરોથી અનુકૂળ જોડાણ સાથે લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે અહીંના મુસાફરો અને કેનેડામાં ભારતીય ડાયસ્પોરાની લાંબા સમયની ઇચ્છાને પૂર્ણ કરે છે.

આ સાથે એર ઈન્ડિયાએ એક પ્રારંભિક ઓફર રજૂ કરી હતી. તમે ઇકોનોમિ ક્લાસમાં 5 ટકા અને બિઝનેસ ક્લાસમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઓફર 27 સપ્ટેમ્બર સુધી જ છે જ્યારે આ ફ્લાઇટની શરુઆત થશે. આ ઓફર માત્ર એર ઈન્ડિયા ઓપરેટેડ ફ્લાઇટ માટે છે. એર ઈન્ડિયા મોબાઇલ એપ કે વેબસાઇટ દ્વારા બુક કરાયેલી કોડ શેર ફ્લાઇટ માટે નથી.

AI 187 ફ્લાઇટ દિલ્હીથી વહેલી સવારે 3 વાગ્યે ઉપડશે અને ટોરન્ટોમાં ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે એ જ દિવસે 8.45 વાગ્યે સવારે પહોંચશે. રિટર્ન ફ્લાઇટ ટોરન્ટોથી ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે બપોરે 12.15 વાગ્યે ઉપડશે અને દિલ્હી એરપોર્ટ પર આગલા દિવસે બપોરે 12.15 વાગ્યે પહોંચશે. તે સિવાય એર ઈન્ડિયાએ દોહા સુધી જતી નોન સ્ટોપ ફ્લાઇટની પણ જાહેરાત કરી હતી. તેની શરુઆત 29 ઓક્ટોબર 2019ના થશે અને તે અઠવાડિયામાં ચાર વખત ઉપડશે.

મુંબઈથી દેહારદૂન અને વારાણસીની ફ્લાઇટની જાહેરાત થશે

એક અખબારના રિપોર્ટ પ્રમાણે મુંબઈથી દેહરાદૂન અને વારાણસીને જોડતી ફ્લાઇટની જાહેરાત પણ એર ઈન્ડિયા કરશે. તેની શરુઆત 28 સપ્ટેમ્બરથી થશે અને અને તે બુધવાર અને શનિવારે ઓપરેટ થશે. Airbus A319 એરક્રાફ્ટ મુંબઈ એરપોર્ટથી સવારે 10.25 વાગ્યે ઉડાન ભરીને બપોરે 12.40 વાગ્યે દેહરાદૂન પહોંચશે. ત્યારબાદ તે બપોરે 1.10 વાગ્યે ત્યાંથી ઉડાન ભરીને 2.35 વાગ્યે વારાણસી એરપોર્ટ પહોંચશે. રિટર્ન પ્રવાસમાં તે વારાણસીથી બપોરે 3.05 વાગ્યે ઉપડશે અને 4.30 વાગ્યા સુધી દેહરાદૂન પહોંચશે. ત્યાંથી તે 5 વાગ્યે ટેકઓફ કરીને સાંજે 7 વાગ્યે મુંબઈ પહોંચશે.